November 5, 2024

થાઈલેન્ડમાં સ્કૂલ બસમાં લાગી આગ, 25 વિદ્યાર્થીઓ જીવતા બળીને ભડથું થઇ ગયા…!

School bus catches fire in Bangkok: થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં 25 બાળકો અને શિક્ષકો જીવતા બળીને ભડથું થઇ ગયા. માહિતી અનુસાર, બસ મંગળવારે રાજધાની બેંગકોકના ઉપનગરીય વિસ્તારમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈ જઈ રહી હતી. બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. તમામ લોકો ભીષણ આગમાં ફસાઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં 25 વિદ્યાર્થીઓ અને શિક્ષકો જીવતા બળી ગયા.અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જે બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. થાઈલેન્ડના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સુરિયા જુંગરુંગરુંગકિટે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે બસમાં લગભગ 44 લોકો સવાર હતા. 19 લોકો કોઈ રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. બાકીના આગમાં ફસાઈ ગયા. જેમને બચાવી શકાયા નથી.

બસમાં સવાર લોકો સેન્ટ્રલ ઉથાઈ થાની પ્રાંતથી બેંગકોકની રાજધાની અયુથયામાં સ્કૂલ ટ્રિપ માટે જઈ રહ્યા હતા. રાજધાનીના ઉત્તરીય ઉપનગર પાથુમ થાની પ્રાંતમાં એક હૃદયદ્રાવક અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે બસમાં અચાનક આગ લાગી હતી. જો કે, ગૃહમંત્રી અનુતિન ચર્નવિરાકુલે સ્પષ્ટતા કરી હતી કે હજુ એ કહી શકાય તેમ નથી કે કેટલા લોકોના મોત થયા છે? હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે. બચી ગયેલા લોકોની સંખ્યાના આધારે, અકસ્માતમાં 25 લોકોના મોત થયા હોવાનો અંદાજ છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બસ સળગતી જોવા મળી રહી છે.

ટાયર ફાટવાથી અકસ્માત સર્જાયો હતો
વીડિયોમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓની ઉંમર અને ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ નથી. એક બચાવકર્મીએ જણાવ્યું કે, ચાલતી બસનું ટાયર અચાનક ફાટી ગયું. જે બાદ તે બેરિયર સાથે અથડાઈ હતી. અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાસ્થળેથી ઓછામાં ઓછા દસ મૃતદેહો મળી આવ્યા છે. બાકીના લોકોના મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયા હતા.