વડોદરામાં અનરાધાર વરસાદ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા 45 સગર્ભા મહિલાઓનું રેક્સ્યૂ
Gujarat Rainfall Update: રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાજ્ય સરકાર રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત કરી દીધી છે. મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.
ભારત સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1,696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 245 તાલુકામાં વરસાદ, સૌથી વધુ રાજકોટમાં 8 ઈંચ વરસાદ
MGVCLના 1700થી વધુ વીજ કર્મીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત
અનરાધાર વરસાદથી પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે કુલ 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા MGVCLની 536 ટીમોના 1700થી વધુ વીજ કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.
વડોદરા આરોગ્ય તંત્રનો માનવીય અભિગમ
વડોદરામાં વરસી રહેલા અનરાધાર વરસાદમાં કોઇપણ સગર્ભા મહિલાને તકલીફ ન પડે તેવા પ્રયત્નો જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે. હાલના સમયમાં પ્રસુતિ થવાની શક્યતા ધરાવતી આશરે 45 જેટલી સગર્ભા મહિલાઓને તંત્ર દ્વારા નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે. આ કેન્દ્રો ખાતે તબીબી નિરીક્ષણ હેઠળ સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. એટલું જ નહીં, વડોદરા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરીનેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. વરસાદી પાણીથી પ્રભાવિત ગામોમાં આશ્રય સ્થાનો ઉપર રાખવામાં આવેલા ગ્રામજનોનું પણ તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્યકર્મીઓ દ્વારા આશ્રય સ્થાનોની મુલાકાત લેવામાં આવી રહી છે.