રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો, જિલ્લા વહીવટી તંત્રનો નિર્ણય
રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત લોકમેળો રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાશે. કણકોટ અને ન્યૂ રેસ કોર્સના મેદાનમાં જમીન રાઈડ્સ માટે ફિઝિબલ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, દર વર્ષે રાજકોટના રેસકોર્સ મેદાનમાં લોકમેળો યોજાય છે. સાતમ-આઠમનો તહેવાર સૌરાષ્ટ્રભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. ત્યારે આ તહેવારને લઈને રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. મોટી સંખ્યામાં લોકો આ મેળામાં આવતા હોય છે અને વિવિધ પ્રકારની રાઇડ્સની મજા માણતા હોય છે. ત્યારે આ વખતે પણ રેસકોર્ષ ગ્રાઉન્ડમાં જ મેળો યોજાવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ લોકમેળો ન્યૂ રેસકોર્સ અથવા કણકોટમાં યોજવા વિચારણા ચાલી રહી હતી.
આ પણ વાંચોઃ 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ
રાજકોટમાં આગામી તારીખ 17થી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિક્યૂટિવ એન્જિનિયરે ન્યૂ રેસકોર્સ અને કણકોટમાં જમીનની ચકાસણી કરી હતી. જેમાં જમીન ઉબડખાબડ અને પોચી હોવાથી રાઇડ્સ ચલાવી શકાય તેમ ન હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે, આગામી શનિવારે રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લોકમેળા સંદર્ભની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.