રાજકોટ અગ્નિકાંડના આરોપી TPO મનસુખ સાગઠીયાની ભરતી ગેરકાયદેસર?
રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને મનપાના પૂર્વ અધિકારી TPO મનસુખ સાગઠીયાની ભરતી ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ખાતાકીય ભરતીમાં 45 વર્ષની ઉંમરનો નિયમ હોવા છતાં 55 વર્ષીના સાગઠીયાને હોદ્દો આપવામાં આવ્યો હતો.
સચિવે માત્ર 6 મહિના માટે સાગઠીયાને કાયમી કરવાનો હુકમ કર્યો હતો. પૂર્વ RMC કમિશનર અને પદાધિકારીઓએ સાગઠીયાને કાયમી કરવા તમામ નિયમો નેવે મૂક્યા હોવાની વિગતો સામે આવી છે. પૂર્વ કમિશનર આનંદ પટેલ અને પદાધિકારીઓ સાગઠીયાને ઈન્ચાર્જમાંથી કાયમી કરવા કૌભાંડ આચર્યા હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે સાગઠીયા માટે 6-7-23ના રોજ ઓફિસર્સ સિલેક્શન કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો.
19 જુલાઈ, 2023ના દિવસે મળેલા બોર્ડમાં સર્વાનુમતે સાગઠીયાની TPO તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ઓફિસર્સ સિલેક્શન કમિટીમાં RMC કમિશનર, મેયર, ડેપ્યૂટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા, ચીફ ઓડિટર સહિતના અધિકારી-પદાધિકારીઓએ સાગઠીયા માટે અભિપ્રાય આપ્યો હતો.
ગઈકાલે ઓફિસમાંથી કરોડોની રોકડ સહિત સોનું મળ્યું
રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠીયાની ઓફિસમાં એસીબીએ તપાસ શરૂ કરી હતી. તેમાં કરોડો રૂપિયાની રોકડ રકમ સહિત મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું છે. ત્યારે એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. એલસીબીએ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓની 150 ફૂટ રિંગરોડ પર આવેલી ઓફિસનું સીલ ખોલતા રૂપિયા 5 કરોડની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત તેમની ઓફિસમાંથી 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. એસીબી તપાસ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.