November 6, 2024

રાજકોટ અગ્નિકાંડ: સાગઠિયાના આર્થિક વ્યવહારોથી ACBની તપાસ બિલ્ડરો સુધી પહોંચી

ઋષિ દવે, રાજકોટ: રાજકોટ અગ્નિકાંડમાં જ્યાં એક તરફ SIT દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે તો સમગ્ર કેસમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચારને લઈને પણ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે, ACB દ્વારા સસ્પેન્ડેટ TPO સાગઠિયા સામે કાર્યવાહીને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે, ACBનો તપાસનો ગાળિયો કેટલાય મોટા માથાઓ, મોટા બિલ્ડરો સુધી પણ પહોંચી શકે છે. ACB દ્વારા સાગઠિયાના નાણાકીય વ્યવહારોની તપાસ કરવા માટે બેન્ક સ્ટેટમેન્ટ તપસ્યા હતા. જેમાં અધધ મોટી રકમની લેવડદેવડની એન્ટ્રીઓનો ખુલાસો થયો છે. ACB એ કબ્જે કરેલા સાગઠિયાના બેન્ક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારોની એન્ટ્રીઓ ખૂલી જે મોટા માથાના બિલ્ડર્સ સાથે કરવામાં આવી છે.

ત્યારે હવે ACB મોટા ગજાના બિલ્ડરોના સાગઠિયા સાથેની સાઠગાંઠ અંગે તપાસ કરી શકે છે. તો વધુમાં જાણવા મળી રહ્યું છે કે ACBની તપાસમાં નિવૃત અધિકારી સાથે સાગઠિયાના નાણાંકીય વ્યવહારો સામે આવ્યા છે. જેને લઈને નિવૃતિ બાદ બિલ્ડર બનેલ એક સરકારી અધિકારીની પણ ACB દ્વારા પૂછપરછ કરવામાં આવી શકે છે. ત્યારે હવે, ACBની કાર્યવાહીનો રેલો બિલ્ડરો અને મોટા માથાઓ સુધી પહોંચતા ખળભળાટ મચી ગયો છે.

સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર ખાતે બનેલ TRP ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, વર્ગ-1, મનસુખ સાગઠીયા, ACB દ્વારા અપ્રમાણસર મિલકતની તા.01/04/2012 થી તા.31/05/2024 ના સમયગાળાના ચેક પિરીયડ દરમ્યાન તેઓ દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન મેળવવામાં આવેલ દરસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવેલ.

તપાસના અંતે મળેલ તમામ વિગતોનું ACBના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ. સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલિત થયેલ. આક્ષેપીતે પોતાની કાયદેસરની આવક રૂ.2,57,17,359/- (2 કરોડ 57 લાખ 17 હજાર 359)ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.13,23,33,323 /- (13 કરોડ 23 લાખ 33 હજાર 323) કરેલાનું તપાસ દરમ્યાન સામે આવ્યું હતું,

આમ, સાગઠિયાએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355/- (10 કરોડ 55 લાખ 37 હજાર 355 )ની વધુ સંપત્તિ વસાવી હોવાનો ખુલાસો થયો છે જે તેઓની આવકના પ્રમાણમાં 410.37% થી વધુ અપ્રમાણસર મિલકતો છે. આ સમગ્ર પ્રાથમિક તપાસ કરનાર અધિકારી જે.એમ.આલ, ફિલ્ડ પોલીસ ઈન્સ્પેકટર, ACB રાજકોટ એકમ, રાજકોટ દ્વારા સરકાર તરફથી ફરિયાદી તરીકે રાજકોટ શહેર ACB પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988 (સુધારા- 2018)ની કલમ-13(1)બી, 13(2) મુજબનો ગુનો સાગઠિયા વિરૂધ્ધ દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની આગળની તપાસ રાજકોટ એકમના મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના સુપરવિઝન હેઠળ સુરેન્દ્વનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એમ.એમ.લાલીવાલાને સોંપવામાં આવેલ છે.