November 6, 2024

રાજકોટમાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 2.9 નોંધાઈ

ફાઇલ તસવીર

ઋષિ દવે, રાજકોટઃ શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળ-લોઠડા સહિતના વિસ્તારોમાં અઠવાડિયા પહેલા ગત શુક્રવારે ભૂકંપનો આંચકો આવ્યા બાદ આજે બપોરે ફરી વખત શાપર-વેરાવળ-લોઠડા-પીપલાણા-ખોખળદડ સહિતના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. બહુમાળી બિલ્ડિંગના બીરા-દરવાજા ખળભળી ઉઠતા લોકો ભયના માર્યા બહાર દોડી આવ્યા હતા અને આ અંગે સરકારી કચેરીઓના ફોન ધણધણાવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, આજે બપોરે 2:09 કલાકે શાપર-વેરાવળ-લોઠડા તેમજ આસપાસના વિસ્તારોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની અસર રાજકોટની ભાગોળે વાવડી સુધી જણાઈ હતી. શાપર-વેરાવળ ઉપરાંત વાવડીમાં આવેલા બહુમાળી ઈમારતોમાં આંચકાની તીવ્રતા વધુ જણાતા બારી દરવાજા ખળભળ્યા હતા અને લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા.

સિસ્મોલોજીક સેન્ટરના જણાવ્યા મુજબ, આજે બપોરે 2:09 કલાકે રાજકોટથી 16 કિલોમીટર દૂર રાજકોટ-કોટડાસાંગાણી રોડ ઉપર લોઠડા અને પીપલાણા ગામ વચ્ચે આ ધરતીકંપના આંચકાનું એપી સેન્ટર નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 2.9 નોંધવામાં આવી છે. જો કે, આ ધરતીકંપના આંચકાથી કોઈ મોટુ નુકસાન કે અન્ય અહેવાલો મળી રહ્યા નથી.