May 8, 2024

રાષ્ટ્રપતિ દ્વારા 4 મહાનુભાવોને ‘ભારત રત્ન’ એવોર્ડ, અડવાણીને આવતીકાલે મળશે

ભારત રત્ન એનાયત સેરેમની

Bharat Ratna Award: ભારતની રાજધાની નવી દિલ્હીમાં શનિવારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ચાર વ્યક્તિઓને સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા. જેમાં તેમાં પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિમ્હા રાવ, કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમએસ સ્વામીનાથન અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી નવાજવામાં આવ્યાં છે.

કુલ સાત મિનિટના સમારોહમાં ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવના પુત્ર પીવી પ્રભાકર, ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહના પૌત્ર જયંત ચૌધરી અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમએસ સ્વામીનાથનની પુત્રી ડૉ. નિત્યા રાવે સન્માન મેળવ્યું હતું. સ્વામીનાથન ભારતમાં ‘ગ્રીન રિવોલ્યુશન’ લાવવા માટે જાણીતા છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર વતી તેમના પુત્ર રામનાથ ઠાકુરે સન્માન મેળવ્યું હતું, જેઓ બિહારના જાહેર નેતા તરીકે જાણીતા હતા. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ મુર્મુએ કર્પૂરી ઠાકુરને તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા 23 જાન્યુઆરીએ ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

અડવાણીને આવતીકાલે ઘરે જ ભારત રત્ન આપવામાં આવશે
ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક લાલકૃષ્ણ અડવાણીને તેમના ઘરે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 માર્ચે તેમના ઘરે જશે અને તેઓ દેશના પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરશે.

પીએમ મોદીના કાર્યકાળમાં તેમને સન્માન મળ્યું હતું
વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન મદન મોહન માલવિયા, અટલ બિહારી વાજપેયી, પ્રણવ મુખર્જી, ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને ભારત સન્માનથી નવાજવામાં આવ્યા છે. વર્ષ 2024માં પાંચ વ્યક્તિઓને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ સાથે દેશમાં આ સન્માન મેળવનારા લોકોની સંખ્યા વધીને 53 થઈ જશે.