છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતના મંદિરોમાં ચોરીની 500થી વધુ ઘટનાઓ: કોંગ્રેસના આક્ષેપો
અમદાવાદ: ગુજરાતમાં ચોરી, લૂંટ-ધાડના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો છે. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે ભાજપ પર આકરા પ્રહારો કરતાં આરોપો લગાવ્યા છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણેક વર્ષમાં ગુજરાતનાં મંદિરોમાંથી કુલ રૂ. 4,93,72,247ની રોકડ રકમ અને મુદામાલની ચોરી થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકારના રાજમાં મંદિરોમાં ચોરીની કુલ 501 ઘટનાઓ બની છે.
કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે આરોપો લગાવતા વધુમાં કહ્યું છે કે ગુજરાતના મંદિરોની સુરક્ષા માટે સ્પેશીયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગ છે. ગુજરાતીઓના આસ્થાનું સ્થાન શક્તિપીઠ પાવાગઢ સહીત રાજ્યના અનેક ધાર્મિક સ્થાનોમાં ચોરી-લુંટ-ધાડની ઘટનાઓ વધી રહી છે. હિન્દુત્વની દુહાઈ દેતી સરકાર મંદિર-ભગવાનને પણ સલામતી આપવામાં નિષ્ફળ પુરવાર થઇ રહી છે. ગુજરાતમાં વર્ષ 20-21માં 151 મંદિરોમાં, વર્ષ 21-22માં 178 મંદિરોમાં અને વર્ષ 22-23માં 172 એમ કુલ મળીને 501 ચોરીની ઘટનાઓ બની.
તેમણે વધુમાં કહ્યું કે, હથિયાર સાથે ધાડની પણ પાંચ ઘટનાઓ બનેલ છે જે અત્યંત ચિંતાજનક બાબત છે. ઉપરાંત સરકારના સલામતના મોટા મોટા દાવાની પોલ છતી કરે છે. ગુજરાતના નાગરીકોના આસ્થાના પ્રતિક એવા મંદિરોમાં થઇ રહેલી લૂંટ ધાડ-ચોરીની ઘટના માત્ર મંદિરોમાં સીસીટીવી લગાવી સુરક્ષાની સાંત્વના સરકાર આપી રહી છે. ભગવાનના નામે રાજનીતિ કરતી ભાજપ માત્ર મતનું તરભાણું ભરાયની ચિંતા કરે છે? નવરાત્રીના પાવન પર્વમાં પણ બહેન-દીકરીઓ પર થતા બળાત્કાર, વ્યાજખોરો-બુટલેગરો બેફામ, ખુલ્લેઆમ દારૂ-ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે
તેમણે વધુમાં આંકડા આપતા જણાવ્યું કે 01-10-2020 થી 30-09-21 દરમિયાન ચોરીની 151 ઘટના બની છે જેમાં 8,5,47,322નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો, 01-10-2021 થી 30-09-2022 દરમિયાન 178 ઘટનાઓ બની જેમાં 1,90,77,305 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો, 01-10-2022 થી 30-09-2023 દરમિયાન ચોરીના 172 બનાવો બન્યા છે જેમાં 2,17,47,620 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આમ છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 501 ચોરીની ઘટનાઓ બની છે અને કુલ 4,93,72,247ની કિંમતની ચોરી થઈ છે.