September 19, 2024

મારી ખૂબ મજાક ઉડાવવામાં આવી, પરંતુ હું ચૂપ રહ્યોઃ PM મોદી

Narendra Modi in Gujarat: PM નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસનો હિસાબ જનતા સમક્ષ રજૂ કરતા કહ્યું, આ સમયગાળા દરમિયાન મારી મજાક ઉડાવવામાં આવી અને ખૂબ અપમાન કરવામાં આવ્યું હતું. વધુમાં પીએમ મોદીએ કહ્યું, હું મારા લક્ષ્યને હાંસલ કરવા માટે સતત કામ કરી રહ્યો છું અને આ કારણે ચૂપચાપ બધું સહન કર્યું.

પીએમ મોદીએ કહ્યું, 60 વર્ષ બાદ દેશની જનતાએ નવો ઈતિહાસ રચ્યો છે. એક સરકારને સતત ત્રીજી વખત દેશની સેવા કરવાની તક આપી. ભારતની લોકશાહી માટે આ એક મોટી ઘટના છે. તેમણે કહ્યું, ‘ચૂંટણી દરમિયાન, મેં ખાતરી આપી હતી કે ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં દેશ માટે અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવશે. છેલ્લા 100 દિવસમાં મેં ન તો દિવસ જોયો છે કે ન તો રાત. 100 દિવસનો એજન્ડા પૂરો કરવા માટે પૂરી તાકાત લગાવી દીધી. દેશમાં હોય કે વિદેશમાં ગમે તેટલા પ્રયત્નો કરવા પડતા હતા. કોઈ કસર બાકી ન હતી.

વિપક્ષો પર તેમની મજાક ઉડાવવાનો આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે, હું મારા કામમાં વ્યસ્ત રહ્યો અને એટલે મૌન જાળવ્યું. પીએમ મોદીએ કહ્યું, ‘તમે જોયું જ હશે કે છેલ્લા 100 દિવસમાં કેવા પ્રકારની વાતો કરવામાં આવી હતી. મારી મજાક કરવા લાગ્યા હતા. મોદીની મજાક ઉડાવવા લાગ્યા. તે વિવિધ દલીલો કરતાં રહ્યા અને મજા કરતા રહ્યા. લોકોને પણ આશ્ચર્ય થયું કે મોદી કેમ ચૂપ છે. ખૂબ મજાક થઇ રહી છે, ખૂબ અપમાન થઇ રહ્યું છે.

મોદીએ વધુમાં કહ્યું, ‘મારા ગુજરાતના ભાઈઓ અને બહેનો, આ સરદાર પટેલની ભૂમિમાંથી જન્મેલ પુત્ર છે. દરેક મજાક, દરેક અપમાન સહન કરીને, મેં પ્રતિજ્ઞા લીધી અને 100 દિવસ સુધી નીતિઓ બનાવવામાં અને તમારા કલ્યાણના નિર્ણયો લેવામાં વ્યસ્ત રહ્યો. મેં નક્કી કર્યું હતું કે, જેટલી મજાક ઉડાવી હોય ઉડાવી લ્યો, જેમણે પણ મજા લેવી હોય મજા લઇ લો, મેં એક પણ જવાબ ન આપવાનું નક્કી કર્યું હતું. દેશના કલ્યાણ માટે મારે જે રસ્તે ચાલવાનું છે, તેના પર ગમે તેટલી મજાક કરવામાં આવે, હું મારા માર્ગથી હટવાનો નથી. મને ખુશી છે કે તમામ અપમાનને પચાવી લીધા પછી, 100 દિવસમાં અમે દરેક પરિવાર અને દેશના દરેક વર્ગના કલ્યાણની ખાતરી આપી. આ 100 દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાથી વધુની યોજનાઓ પર કામ શરૂ થઈ ગયું છે.