December 23, 2024

600 વકીલોના પત્ર પર મોદીનો પ્રહાર, ડરાવાની કોંગ્રેસની જૂની આદત

Lok Sabha Elections 2024: દેશભરના સેંકડો વકીલો અને કેટલાક બાર એસોસિએશનોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડને પત્ર લખીને રાજકીય અને વ્યાવસાયિક દબાણનો ઉપયોગ કરીને ન્યાયતંત્રની અખંડિતતાને નબળી પાડવાના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કર્યા છે. જેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરતા કહ્યું કે, બીજાને ડરાવવાની- ધમકાવવાની કોંગ્રેસની સંસ્કૃતિ છે.’

PM મોદીએ કોંગ્રેસ વિશે કહ્યું કે, ‘પાંચ દાયકા પહેલા તેમણે પોતે ‘પ્રતિબદ્ધ ન્યાયતંત્ર’ માટે હાકલ કરી હતી. તેઓ નિર્લજ્જતાથી તેમના સ્વાર્થ માટે અન્ય લોકો પાસેથી પ્રતિબદ્ધતા માંગે છે, પરંતુ રાષ્ટ્ર પ્રત્યે તેમની કોઈ પ્રતિબદ્ધતા નથી. પીએમ મોદીએ માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ X પર એક પોસ્ટમાં કહ્યું કે, “આશ્ચર્યની વાત નથી કે 140 કરોડ ભારતીયો તેમને નકારી રહ્યા છે.”

PMના નિવેદન પહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પ્રમુખ મનન કુમાર મિશ્રા સહિત 600 વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખીને “વિશેષ હિત સમૂહ”ના કામો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આ જુથ તેમની છબીને ખરાબ કરી રહી છે.