કમલમ્ ઉવાચ: દાહોદમાં બાળકી સાથેની ઘટના પર મોટા નેતાઓના મૌનથી મીડિયા સેલ નારાજ
જયેશ ચૌહાણ, અમદાવાદ: દાહોદના તોરાણી ગામે શાળાના આચાર્યએ 6 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવવા પ્રયત્ન કર્યો અને પ્રતિકાર કરતી બાળકીની નિર્મમ હત્યા કરી હતી. આ મુદ્દાને લઈ આરોપી સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે પરંતુ ગુજરાત સરકારના મંત્રીઓ અને બીજેપીના મોટા નેતાઓનું મૌન હવે ઘરમાં જ નારાજગીનું કારણ બની ચૂક્યું છે.
મીડિયા સેલ નારાજ!
દાહોદના તોરાણી ગામની ઘટનામાં પોલીસે તો સરાહનીય કામગીરી કરી આરોપીને જેલના સળિયાની પાછળ ધકેલી દીધો છે પરંતુ કોલકત્તામાં જુનિયર ડોકટર પર દુષ્કર્મની ઘટના બાદ ગુજરાત સહિત દેશભરમાં બીજેપી આક્રમક જોવા મળ્યું હતું અને મીડિયામાં પણ આક્રમકતાથી નિવેદનો કરવામાં આવ્યા હતા પરંતુ દાહોદની ઘટના અંગે સરકાર અને બીજેપીના મોટા નેતાઓનું મૌન હવે બીજેપી મીડિયા સેલના નેતાઓ માટે માથાનો દુખાવો બની રહ્યું છે. સરકારના મંત્રીઓ અને બીજેપીના મોટા નેતાઓએ આ મુદ્દે મૌન સેવી લેતા મીડિયા સેલના નેતાઓ અને પ્રવકતાઓએ મીડિયાના સવાલો પર જવાબ આપવા પડી રહ્યા છે. ત્યારે હાલની જ બંગાળની ઘટના પર હલ્લો કરનાર બીજેપીના મીડિયા સેલના નેતા – પ્રવક્તાઓને દાહોદ મુદ્દા પર પક્ષને ડિફેન્ડ કરવામાં મુશ્કેલી આવી રહી છે.
“ધારાસભ્ય કે મહિલા મોરચો પીડિત પરિવાર પાસે ન ગયો”
દાહોદની ઘટના અંગે મોટા નેતાઓના મૌન અંગે છાને ખૂણે એ ચર્ચા મીડિયા સેલના પદાધિકારીઓ કરી રહ્યા છે કે ઘટના બાદ લોકલ નેતાઓ, ધારાસભ્ય પણ પીડિત પરિવારને મળવા ન ગયા. એટલિસ્ટ મહિલા મોરચાએ તો પીડિત પરિવારની મુલાકાત લેવી જોઈતી હતી. અમારે મીડિયામાં કેટલો બચાવ કરવાનો.
“બંગાળ મુદ્દે પોસ્ટ કરનાર મહિલા મોરચાના નેતા દાહોદ મુદ્દે મૌન”
બંગાળમાં જુનિયર ડોકટર સાથે દુષ્કર્મ મુદ્દે ગુજરાતમાં પણ દેખાવો કરવામાં આવ્યા હતા અને મહિલા મોરચા દ્વારા મુખ્યમંત્રી મમતા બેનર્જીને સવાલ કરી તેમના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી પરંતુ દાહોદની ઘટના બાદ મહિલા મોરચા અને મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકા સરડવા દ્વારા પણ મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે. સોશિયલ પ્લેટફોર્મ પર પણ દાહોદની ઘટનાને વખોડવામાં નથી આવી
“મંત્રી જગદીશ પંચાલે પણ લુલો બચાવ કર્યો”
આજે પ્રદેશ કાર્યાલય ખાતે રાહુલ ગાંધીએ વિદેશમાં આપેલા નિવેદનને લઈ રાજ્યસભા સાંસદ અને પ્રદેશ OBC મોરચાના પ્રમુખ મયંક નાયક અને મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી જેમાં પણ પત્રકારોએ દાહોદની ઘટનાને લઈ સવાલ કર્યા હતા કે રાહુલ ગાંધીના નિવેદન પર પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે પરંતુ દાહોદની ઘટના મુદ્દે મૌન કેમ ત્યારે મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે દાહોદની ઘટના દુઃખદ છે. આવી ઘટના કોઈ સાથે ન થવી જોઈએ. આરોપી કોઈ પણ હોય પરંતુ રાજ્ય સરકાર અને પોલીસ ગંભીર છે. આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.