August 21, 2024

પાલનપુરમાં પહેલો વરસાદ લાવ્યો ખાડારાજ, ગુણવત્તાને લઈને ઉઠયા અનેક સવાલો

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુરમાં પ્રથમ વરસાદે જ ખાડારાજ થયું છે. શહેરમાં રોડ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા છે તો હાઇવે પર પણ ખાડા પડતા વાહન ચાલકો રાહદારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. 6 મહિના પહેલા બનાવેલ અને રીપેર કરાયેલા રોડ પર ખાડા પડતાં રોડની ગુણવત્તાની સામે પણ સવાલો થયા છે.

પાલનપુર શહેરમાં પ્રવેશવાના રસ્તા ઉપર જ મોટા ખાડા પડી ગયા છે ધનીયાના ચાર રસ્તા, માલણ દરવાજા ગઠામણગેટ ગુરુ નાનક ચોક બેચરપુરા જગાણા રોડ આદર્શ સ્કૂલ રોડ પર પ્રથમ વરસાદમાં જ ખાડા પડી ગયા છે. ખાડા એટલી હદે પડ્યા છે કે રીતસરના વાહનો પટકાય છે. સાથે સાથે ચાલતા રાહદારીઓ પર પણ ખાડામાં ભરાયેલું પાણી ઉડે છે અને રાહદારીઓ પણ મુશ્કેલીઓ ભોગવે છે એટલે સ્થાનિકો પણ કહી રહ્યા છે કે ખાડામાં વિકાસ છે કે વિકાસમાં ખાડા છે.

તો કોંગ્રેસના નેતાઓ પાલનપુર શહેરમાં પડેલા ખાડાઓને પાલનપુર નગરપાલિકાનો બેદરકાર વહીવટ ગણાવી રહ્યા છે. કોંગ્રેસના આક્ષેપો છે કે શહેરનો એક પણ રસ્તો એવો નથી કે જ્યાંથી શહેરીજનો સલામત રીતે પસાર થઈ શકે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં અનેક રોડ પર ખાડા પડી જવાથી બાઈક ચાલકો પટકાય છે. વાહનચાલકો હેરાન પરેશાન થાય છે. જોકે વાહનને તો નુકસાન થાય જ છે સાથે સાથે ચાલકના શરીરને પણ નુકસાન થાય છે. ત્યારે છ મહિના થાય એટલે ખાડા પૂરવાનું કામ થાય છે અને બીજા છ મહિના થાય એટલે રોડને નવો બનાવવાનું કામ થાય છે દર વર્ષે આ પ્રક્રિયા થાય છે અને છતાં પણ દર વર્ષે રોડ તૂટી જાય છે અને ખાડાઓ પડે છે એટલે કે પાલનપુર પાલિકાને ખબર છે કે સરકારની ગ્રાન્ટ આવવાની છે અને તેમાંથી ખાડા પુરાવાના છે.

તાજેતરમાં જ અષાઢી બીજ ની રથયાત્રા પાલનપુર શહેરમાં અનેકવિધ માર્ગો પર ફરી તેના પહેલા જ પાલનપુર નગરપાલિકાએ રોડ પરના જે ખાડા હતા તેને પૂરવાનું કામ કર્યું પરંતુ માત્ર ગણતરીના દિવસો મને સામાન્ય વરસાદમાં જ આ ખાડા ફરીથી પડી ગયા ત્યારે પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર પણ કબૂલે છે કે રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે અને એ નવરાત્રી પહેલા આ ખાડાઓ પુરવાનું કામ થશે એટલે કે હજુ ત્રણ માસ બાદ આ ખાડાઓ પૂરાશે અને ત્યાં સુધી પ્રજા છે એ આ રીતે પરેશાન થતી રહેશે.