May 2, 2024

‘કલ મોદી કી રેલી મેં મત જાના…’, કાશ્મીરના લોકોને ધમકીભર્યા ફોન આવ્યા

PM Modi Visit Srinagar: કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર કાશ્મીરની મુલાકાતે છે. ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી શ્રીનગરમાં અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે અને જાહેર સભાને સંબોધશે. આવતીકાલે શ્રીનગરમાં યોજાનારી પીએમની જાહેર સભા યોજાવાની છે તે પહેલા કાશ્મીરના લોકોને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે, જેમાં સ્થાનિક લોકોને પીએમની જાહેર સભામાં ન આવવાની ધમકી આપવામાં આવી છે.

માહિતી અનુસાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કાશ્મીરમાં મોબાઈલ અને લેન્ડલાઈન પર પીએમ મોદીની રેલીનો બહિષ્કાર કરવા ફોન કરી રહ્યાં છે. કાશ્મીરના લોકોને અલગ-અલગ આંતરરાષ્ટ્રીય ફોન નંબર પરથી કોલ આવી રહ્યા છે. ફોન ઉપાડતી વખતે લોકોને ધમકીઓ આપવામાં આવી રહી છે અને આવતીકાલની પીએમની રેલીથી દૂર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. બીજી બાજુ આ માહિતી મળતાની સાથે જ સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.

પીએમ મોદી શ્રીનગરને 5 હજાર કરોડ રૂપિયાની ભેટ આપશે
વડાપ્રધાન મોદી શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ (Bakshi Stadium) ખાતે ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ-કાશ્મીર’ કાર્યક્રમમાં હાજરી આપશે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કૃષિ અર્થતંત્રને વેગ આપવા માટે આશરે રૂ. 5,000 કરોડની યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં ‘સ્વદેશ દર્શન’ અને ‘પ્રશાદ’ (તીર્થસ્થાન કાયાકલ્પ અને આધ્યાત્મિક, હેરિટેજ પ્રમોશન ડ્રાઇવ) યોજનાઓ હેઠળ રૂ. 1,400 કરોડથી વધુ મૂલ્યના પર્યટન ક્ષેત્ર સાથે સંબંધિત રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે સાથે સાથે સંકલિત વિકાસ માટેનો પ્રોજેક્ટ પણ સામેલ છે.

સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રો આપશે
ચેલેન્જ-બેઝ્ડ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (CBDD) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરવા ઉપરાંત, PM, ‘દેખો અપના દેશ પીપલ્સ ચોઈસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ’ અને ‘ચલો ઈન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા’ અભિયાનો પણ શરૂ કરશે. PM મોદી જમ્મુ અને કાશ્મીરમાં લગભગ 1,000 નવનિયુક્ત સરકારી કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે અને મહિલાઓ, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો સહિત વિવિધ કેન્દ્રીય યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.

બે લાખ લોકો હાજરી આપે તેવી શક્યતા
બીજી બાજુ ભાજપે એવો દાવો પણ કર્યો છે કે પીએમ મોદીની જનસભામાં બે લાખથી વધુ લોકો જોડાશે.પીએમ મોદીની જનસભાને પગલે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ આ અંગે નક્કર વ્યવસ્થા કરી લીધી છે. સ્થળના દરેક ખૂણે-ખૂણે તપાસ કરવામાં આવી રહી છે અને આસપાસના વિસ્તારના પોઈન્ટ પર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સાથે સુરક્ષા માટે સ્નાઈપર્સ પણ તૈનાત રહેશે.

અગાઉ પીએમએ જમ્મુને ભેટ આપી હતી
નોંધનીય છે કે આ પહેલા 20 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ માટે 13,200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.જમ્મુની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે કલમ 370 જમ્મુ-કાશ્મીરના વિકાસમાં અવરોધ છે અને ભાજપ સરકારે તેને હટાવી દીધી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘જે સરકારની પ્રાથમિકતા માત્ર એક પરિવારનું કલ્યાણ છે તે સામાન્ય લોકોના કલ્યાણ વિશે વિચારી શકતી નથી.વધુમાં પીએમ મોદીએ કહ્યું કે મને એ જોઈને આનંદ થાય છે કે જમ્મુ અને કાશ્મીર વંશવાદી શાસનથી મુક્ત થઈ રહ્યું છે.