Junagadhમાં આવેલા ભૂગર્ભ ટાંકા બને છે વરદાનરૂપ, ક્યારેય પાણી ખૂટતું જ નથી!
સાગર ઠાકર, જૂનાગઢઃ શહેરમાં આજે પણ ભૂગર્ભ જળસંચય જોવા મળે છે. જૂનવાણી મકાનોમાં આજે પણ ભૂગર્ભ ટાંકાઓ હયાત છે. નાગર જ્ઞાતિના લોકોના મકાનોમાં આજે પણ ભૂગર્ભ ટાંકાઓ જોવા મળે છે. ચોમાસાના પાણીનો ભૂગર્ભ ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે અને આ પાણી આરઓ વોટરને પણ ટક્કર મારે તેવું હોય છે. ભૂગર્ભ ટાંકાના પાણીના અનેક ફાયદા છે અને મહત્વની વાત તો એ છે કે ઘરમાં ક્યારેય પાણીની અછત સર્જાતી નથી.
આધુનિક યુગમાં જૂનવાણી મકાનો લુપ્ત થતા જાય છે. પરંતુ જૂનાગઢમાં નાગરવાડા,અંબાઈ ફળીયા,વડ ફળીયા સહિતના વિસ્તારોમાં આજે પણ નાગર જ્ઞાતિના જૂનવાણી મકાનો આવેલા છે. આ જૂનવાણી મકાનોની ખાસિયત એ છે કે, તમામ ઘરોમાં ભૂગર્ભ ટાંકાઓ આવેલા છે અને આજે પણ અહીં ભૂગર્ભ જળસંચય થઈ રહ્યો છે. જૂનવાણી મકાનોની બાંધણી સમયે તેમાં ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવામાં આવતા હતા. ઘરની અગાશી પરથી પાઈપલાઈન મારફત વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ટાંકાના ઉપરના ભાગે લાકડામાં એક ગરેડી હોય છે, જેનાથી ટાંકામાંથી પાણી ઉલેચવામાં આવે છે.
આ પણ વાંચોઃ કચ્છના નાના રણમાં ઘુડખરની વસતિ ગણતરીનો પ્રારંભ, સંખ્યામાં વધારો થવાની શક્યતા
ભૂગર્ભ પાણીના ટાંકાની રચના એવી હોય છે કે, તેમાં કોઈપણ દિશામાંથી સૂર્યના કિરણો પાણી સુધી પહોંચતા નથી. તેથી પાણીમાં કોઈ બગાડ થતો નથી. 30થી 45 ફૂટ ઉંડા ભૂગર્ભ ટાંકામાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને તેનો આખું વર્ષ પીવામાં અને રસોઈમાં ઉપયોગ થાય છે. આ પાણીની મીઠાશ કાંઈક અલગ જ હોય છે. રસોઈના દાળ-ચોખા પણ આ પાણીથી સારી રીતે ચડે છે અને રસોઈમાં મીઠાશ આવે છે. આ પાણી સંપૂર્ણપણે કુદરતી હોય તેમાંથી કોઈપણ તત્વોનો નાશ થતો નથી. તેથી આ પાણી પોષક દ્રવ્યોથી ભરપૂર હોય છે.
આ ભૂર્ગભ ટાંકાનું પાણી મકાનમાલિક આખું વર્ષ વાપરે છે, છતાં પાણી ખૂટતું નથી. મકાનમાં રહેવા માટેના ઓરડાની નીચે પાણીનો સંગ્રહ હોવાથી ઘરમાં ગરમીનો પ્રકોપ વર્તાતો નથી અને ભરઉનાળે પણ ઠંડકનો અહેસાસ થાય છે. જલ એ જીવન, મનુષ્ય હોય કે પશુ પક્ષી, પાણી સૌ કોઈની પ્રાથમિક જરૂરિયાત છે. આજે પર્યાવરણનું અસંતુલન, ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણમાં પલટો આવવો વગેરે અનેક પરિબળોના કારણે પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે અને લોકોને પાણી માટે વલખાં મારવા પડે તેવી સ્થિતિ પણ જોવા મળતી હોય છે. તેવા સમયે જો પાણીનો સંગ્રહ કરવામાં આવે તો પાણીની સમસ્યાથી રાહત મેળવી શકાય તેમ છે.