October 5, 2024

Jammu Kashmir: કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

Jammu Kashmir: કુલગામ જિલ્લાના મોદેરગાવ ગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણના અહેવાલો મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા છે. બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. કાશ્મીરના કુલગામ જિલ્લાના મોદેરગાવ ગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે થયેલ અથડામણમાં એક જવાન શહીદ થયો છે. અથડામણમાં જવાન ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જવાનનું મોત થયું હતું.

એક અધિકારીએ અથડામણને લઈને માહિતી આપતા જણાવ્યું છે કે પોલીસ, સેનાની 9RR અને CRPFની એક સંયુક્ત ટીમે વિસ્તારમાં આતંકીઓની હાજરીને લઈને સૂચના મળ્યા બાદ સમગ્ર વિસ્તારની ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે જવાનોની સંયુક્ત ટીમો શંકાસ્પદ સ્થળો તરફ આગળ વધી અને છૂપાયેલા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. આતંકીઓના ગોળીબારનો સેના દ્વારા જડબાતોડ જવાબ આપતા અથડામણ શરૂ થઈ ગઈ હતી. સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છેઃ કે વિસ્તારમાં બે આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. જણાવી દઈએ કે અમરનાથ યાત્રા શરૂ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલી અથડામણ થઈ છે. 29 જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે.