May 5, 2024

IPLની જેમ અમદાવાદમાં ફૂટબોલ લીગનું આયોજન

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: હવે ગુજરાતમાં પણ આઈપીએલની જેમ ફ્રેન્ચાઈજી બેઝ ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન તરફથી ગુજરાત સુપર લીગ ફ્રેન્ચાઇજી આધારિત ફૂટબોલ ટુર્નામેન્ટની મોટી પહેલ કરવામાં આવી છે. GSL ટ્રોફીનું રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ પરિમલ નથવાણી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઇઝ આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઇ રહ્યો છે. ફૂટબોલની રમતને મજબૂત કરવા લોકોને ફૂટબોલમાં રસ જાગે તે હેતુ થી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યમાં GSLનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છ ટીમો ભાગ લેશે. જેમાં અમદાવાદ એવેન્જર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, કર્ણાવતી નાઈટ્સ, સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ , વડોદરા વોરિયર્સ,સુરત સ્ટ્રાઈકર્સ સહિતની ટીમો GSLમાં ભાગ લેશે.

આ પણ વાંચો: જેસલમેરમાં ભારતીય વાયુસેનાનું વિમાન ક્રેશ, લાગી ભીષણ આગ

આ લીગમાં ભારતના 10 રાજ્યોના ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. GSL થી ગુજરાતના ફૂટબોલ ખેલાડીઓને સમૃદ્ધ અનુભવ તેમજ એક્સપોઝર મળશે. GSL ટુર્નામેન્ટ 1લી મે થી 12 મે સુધી યોજાશે. તમામ મેચ અમદાવાદના EKA એરેના ટ્રાન્સટેડીયા ખાતે યોજાશે. 12મી મેના રોજ ફાઈનલ મેચ સાંજે 7 વાગે ટ્રાન્સટેડીયામાં યોજાશે. તમામ 10 ટીમોમાં ગુજરાતના 70% ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તમામ ખેલાડીને દૈનિક 1 હજાર થી 2 હજાર સુધીનું ભથ્થું મળશે.

મહત્વનું છે કે આઈપીએલ ની જેમ ફૂટબોલને પણ ગુજરાત સહિત દેશમાં પ્રમોટ કરવાનું આયોજન છે. હાલ ગુજરાતમાં 6 ટીમો GSL માં ભાગ લઇ રહી છે આગામી સમયમાં 12 ટીમો કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.