January 23, 2025

CSK ને મોટો આંચકો, આ દિગ્ગજ ખેલાડીનું કપાઇ શકે છે પત્તું

મુસ્તફિઝુર રહેમાન વિઝા સંબંધિત સમસ્યાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે.

IPL 2024: ચોથી મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સને આંચકો લાગ્યો છે. ટીમનો મુખ્ય બોલર અને આઇપીએલ 2024 પર્પલ કેપ હોલ્ડર મુસ્તફિઝુર રહેમાન આગામી મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. આટલું જ નહીં તે આઇપીએલ 2024ની બાકીની આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. તેને કોઈ ઈજા થઈ નથી પરંતુ અન્ય કોઈ સમસ્યાના કારણે તે બાંગ્લાદેશ પરત ફર્યો છે અને તે ક્યારે પરત ફરશે તે અંગે કોઈ રિપોર્ટ સામે આવી નથી.

મુસ્તફિઝુર રહેમાન ઘરે ગયો છે અને તેથી એવી સંભાવના છે કે તે 5મી એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ એટલે કે SRH સામે રમાનાર આગામી મેચ માટે ઉપલબ્ધ નહીં હોય. વનક્રિકેટના અહેવાલ મુજબ મુસ્તફિઝુર રહેમાન વિઝા સંબંધિત સમસ્યાના કારણે બાંગ્લાદેશ પરત ફર્યો છે. તેને યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ 2024 માટે વિઝાની જરૂર છે. આ સમસ્યાના ઉકેલ માટે તે બાંગ્લાદેશ પરત ફર્યો છે.

આ વર્ષે ટી-20 વર્લ્ડ કપની યજમાની વેસ્ટ ઈન્ડિઝની સાથે સાથે USA દ્વારા કરવામાં આવી રહી છે. મુસ્તફિઝુર તેના યુએસ વિઝા માટે બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કરવા બાંગ્લાદેશ ગયો છે. બાયોમેટ્રિક્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી પણ તે ભારત આવી શકશે નહીં કારણ કે તેને પાસપોર્ટ પરત કરતા પહેલા રાહ જોવાની અવધિમાંથી પસાર થવું પડશે. આ સમયગાળા દરમિયાન તે પોતાના દેશમાં જ રહેશે. જો આમ થશે તો તે ચેન્નાઈ માટે એક કરતા વધુ મેચ ગુમાવશે.

આ પણ વાંચો: રાકેશ શર્માની અંતરિક્ષ યાત્રાની 40મી વર્ષગાંઠ, વાયુસેનાએ સ્મરણ વગોળ્યાં

રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સૂત્રોના જણાવ્યા અનુસાર, બાયોમેટ્રિક્સ માટે મુસ્તફિઝુરની એપોઇન્ટમેન્ટ 4 એપ્રિલે થવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 5 એપ્રિલે હૈદરાબાદમાં છે તેથી તે આ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. CSKની આગામી મેચ 8 એપ્રિલે ઘરઆંગણે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે છે. જો અમેરિકન વિઝા પ્રક્રિયામાં વધુ વિલંબ થશે તો મુસ્તફિઝુર આ મેચ પણ ચૂકી શકે છે.

જોકે તેને આઇપીએલ 2024માંથી બાકાત રાખવાની ચર્ચા છે કારણ કે તે 30 એપ્રિલ સુધી આઇપીએલ 2024માં રમી શકે છે. આ પછી તેણે ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે પાંચ મેચોની ટી-20 શ્રેણીમાં ભાગ લેવો પડશે. જે મે મહિનામાં રમાશે. આવી સ્થિતિમાં કદાચ તેને આઇપીએલ ગુમાવવી પડી શકે છે. ચેન્નાઈની ટીમ એપ્રિલમાં 6 મેચ રમવા જઈ રહી છે. તે આમાંથી કેટલી મેચો માટે ઉપલબ્ધ રહેશે તે જોવું રહ્યું.