December 22, 2024

ભારત-ચીનની સેનાની પીછેહઠ, ભારતીય સેનાએ ડેમચોક અને ડેપસાંગમાંથી ઉપકરણો હટાવ્યાં

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચેના કરાર હેઠળ બંને સેનાએ પીછેહઠ શરૂ કરી દીધી છે. પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ડેમચોક અને ડેપસાંગ મેદાનમાં ભારતીય અને ચીનના સૈનિકો બે પોઈન્ટ પર પીછેહઠ કરી રહ્યા છે. બંને પક્ષો વચ્ચેની સમજૂતી મુજબ, ભારતીય સૈનિકોએ સંબંધિત વિસ્તારોમાં તૈનાત ઉપકરણોને હટાવવાનું શરૂ કરી દીધું છે.

ડેમચોક અને ડેપસાંગમાં પેટ્રોલિંગને લઈને સમજૂતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારત અને ચીન ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં એકબીજાને પેટ્રોલિંગ અધિકારો પુનઃસ્થાપિત કરવા માટે સંમત થયા છે. આનો અર્થ એ છે કે ભારતીય સૈનિકો ડેપસાંગ અને ડેમચોકમાં ચાર્ડિંગ નાલામાં પેટ્રોલ પોઈન્ટ્સ (PP) 10થી 13 સુધી પેટ્રોલિંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, સમજૂતી પહેલા ડેપસાંગ અને ડેમચોકમાં બંને તરફથી 50,000થી 60,000 સૈનિકો તૈનાત છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ રશિયામાં બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો અને ત્યાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી તે પહેલા ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈને સમજૂતી થઈ હતી. આ કરાર હેઠળ બંને સેનાઓ વર્ષ 2020 પહેલાની સ્થિતિ પર પાછા ફરશે.