November 15, 2024

રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 13 જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસે તેવી શક્યતા છે. ઘણાં જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વળી, ઘણાં જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગે રાજ્યના 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો 13 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ડાંગ, વલસાડ, સુરત, આણંદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, મોરબી, કચ્છમાં પણ યલો એલર્ટ આપ્યું છે.

આ ઉપરાંત રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં

24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 15 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 99 જેટલા તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં વરસ્યો છે. ત્યાં પોણા બે ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા અને જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ હતી.

તો દાંતીવાડા, ઉમરગામ, ભૂજ તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે ભાવનગર, ગઢડામાં સવા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય માણાવદર, ઘોઘા, અમીરગઢ, વલભીપુરમાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.