May 5, 2024

રાજનીતિથી ગૌતમ ગંભીરનો મોહભંગ, જેપી નડ્ડાને કરી અપીલ

BJP Leader Gautam Gambhir: ભાજપના નેતા અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે લોકસભા ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. ગૌતમ ગંભીરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાણકારી આપી કે હું ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મારી રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા અપીલ કરું છું, જેથી હું ક્રિકેટ પર ધ્યાન આપી શકું. નોંધનીય છે કે ગૌતમ ગંભીર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. 2019ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેઓ પહેલીવાર સંસદ પહોંચ્યા હતા.

ગૌતમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. મને લોકોનીસેવા કરવાની તક આપવા બદલ હું માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિંદ.’ હવે જોવાનું એ રહેશે કે પૂર્વ દિલ્હીથી ભાજપ કયા ઉમેદવારને ટિકિટ આપે છે.

પ્રથમ યાદી બહાર આવે તે પહેલા જ ગૌતમની ‘ચૂંટણી નિવૃત્તિ’
ગૌતમ ગંભીરનો ચૂંટણી નહીં લડવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવનાર છે. એવી ચર્ચા છે કે પ્રથમ યાદીમાં તે બેઠકો અને ઉમેદવારોના નામ સામેલ હશે જેના પર પાર્ટી પહેલાથી જ જીતી ચૂકી છે. જેમાં પીએમ મોદી, અમિત શહા, રાજનાથ સિંહ, નીતિન ગડકરી જેવા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ થઇ શકે છે. માહિતી અનુસાર ભાજપની પ્રથમ યાદીમાં જે બેઠકો જાહેર થઈ શકે છે તેમાં વારાણસી, ગાંધીનગર, અમેઠી, નાગપુર, લખનૌનો સમાવેશ થઈ શકે છે.

ગૌતમની રાજકીય કારકિર્દી કેવી રહી?
ગૌતમ ગંભીરે વર્ષ 2019થી રાજકીય પીચ પર બેંટિંગ શરૂ કરી હતી. તેઓ માર્ચ 2019માં ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ જ્યારે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી 2019 માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ત્યારે ગંભીરને પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.તેઓ પાર્ટીની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા અને અહીંથી જીત્યા હતા. ગંભીરની સામે આમ આદમી પાર્ટીના આતિશી માર્લેના અને કોંગ્રેસના અરવિંદર સિંહ લવલી મેદાનમાં ઉતાર્યા હતા.

ગૌતમ ગંભીર જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી જ તેઓ દિલ્હીની સ્વચ્છતાના મુદ્દે આપ સરકારને ઘેરી રહ્યાં છે. ગંભીર ઘણીવાર પૂર્વ દિલ્હીના ગાઝીપુરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા અને તેની સફાઇની માંગ કરી રહ્યાં હતા. તેમણે કોરોનાકાળ દરમિયાન તેમના બે વર્ષનો સાંસદનો પગાર પણ દાનમાં આપ્યો હતો. નોંધનીય છે કે ગંભીર ઘણીવાર ગૃહમાં ચર્ચા દરમિયાન પણ જોવા મળે છે. જોકે ઘણી વખત તે તેની ક્રિકેટ કમિટમેન્ટને લઇને પણ વિવાદોમાં રહ્યાં છે.