May 17, 2024

ગુરદાસપુર લોકસભા બેઠક અંગે યુવરાજ સિંહે મૌન તોડ્યું

Yuvraj Singh Lok Sabha Election Gurdaspur: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ અગામી લોકસભા ચૂંટણીને લઇને કેટલાંક દિવસોથી ચર્ચામાં છે. યુવરાજ સિહં લોકસભા ચૂંટણીમાં ગુરદાસપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હશે? સિક્સર કિંગ તરીકે જાણીતા યુવરાજ સિંહે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું છે? શું યુવરાજ સિંહ લોકસભા ચૂંટણી લડશે? છેલ્લા કેટલાક દિવસોથી યુવી વિશે આવા અનેક સમાચારો સામે આવી રહ્યાં હતા. હવે આ અંગે યુવરાજનું પોતાનું નિવેદન સામે આવ્યું છે. યુવરાજે લોકસભા ચૂંટણી લડવા અંગે ખુલાસો કર્યો છે.

ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંના એક યુવરાજ સિંહે શુક્રવારે તમામ અહેવાલોને ફગાવી દીધા હતા અને રાજકારણમાં પ્રવેશને લઇને પ્રતિક્રિયા આપી છે. યુવરાજ સિંહે પંજાબની ગુરદાસપુર બેઠક પરથી આગામી લોકસભાની ચૂંટણી લડવાના અહેવાલને નકારી કાઢ્યા છે. યુવી એ કહ્યું કે મારો જુસ્સો જરૂરિયાતમંદ લોકોને ઘણી રીતે સહાય કરવાનો અને મદદ કરવાનો છે, જેથી તેઓ તેમની સંસ્થા દ્વારા ચાલુ રાખશે. વધુમાં કહ્યું કે હાલમાં તેને રાજકારણમાં આવવની કોઇ ઇચ્છા નથી.

‘@YOUWECAN’ના માધ્યમથી આ કામ ચાલુ રાખીશ
42 વર્ષીય યુવરાજ સિંહે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જાણકારી આપી કે હું મીડિયા રિપોર્ટ્સથી વિપરીત છું, હું ગુરદાસપુરથી ચૂંટણી લડી રહ્યો નથી.મારો જુસ્સો વિવિધ માધ્યમો અને ક્ષમતાઓ દ્વારા જરુરિયાતમંદ લોકોને સમર્થન અને મદદ કરવાનો છે અને હું મારી સંસ્થા ‘@YOUWECAN’ના માધ્યમથી આ કામ ચાલુ રાખીશ. અગાઉ આ પહેલા કેટલાંક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP) ગુરદાસપુર સીટ પરથી યુવરાજ સિંહને મેદાનમાં ઉતારી શકે છે. નોંધનીય છે કે હાલમાં અભિનેતા સની દેઓલ આ બેઠક પરથી ભાજપના સાંસદ છે, જોકે સની દેઓલે આ વખતે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.