વિવાદાસ્પદ નિવેદન મામલે પરશોત્તમ રૂપાલાને ચૂંટણીપંચની ક્લિનચીટ
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકોટની લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને કારણે રાજકારણ ગરમાયેલું છે. આ મામલે ક્ષત્રિય સમાજે રાજકોટ ઇલેક્શન કમિશન સામે વિવાદાસ્પદ નિવેદન મામલે ફરિયાદ કરી હતી.
ક્ષત્રિય સમાજે રાજકોટના ઇલેક્શન કમિશન સામે વિવાદાસ્પદ નિવેદન અંગે ફરિયાદ કરી હતી. સમાજના અપમાન મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને રાજકોટ કલેક્ટરે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. કલેક્ટરે ચૂંટણી અધિકારી સાથે મળીને તપાસ ચાલુ કરી હતી. જેમાં તપાસ પૂર્ણ થયા બાદ પરશોત્તમ રૂપાલાને ક્લિનચીટ આપવામાં આવી છે. ગઈકાલે રાજકોટના કલેક્ટરે ચૂંટણી પંચને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં રિલેજન્યનો ભંગ ન થયો હોવાનું જણાવીને ક્લિનચીટ આપી છે.
આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી
સીઆર પાટીલે બે હાથ જોડી માફી માગી હતી
ગઈકાલે પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન અંગે ગાંધીનગર સ્થિત સીઆર પાટીલના નિવાસસ્થાને પૂર્વ ક્ષત્રિય મંત્રીઓ, હાલના ક્ષત્રિય મંત્રીઓ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. તેમાં કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સીઆર પાટીલ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
ક્ષત્રિય મહિલાઓ પણ આ મામલે મેદાને
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રાણીયોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરી રહી છે અને સતત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી કરી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, હવે આ વિરોધનો વંટોળ રાજસ્થાન પહોંચી ગયો છે. ત્યાંના રાજપૂત સમાજમાં પણ રૂપાલાના નિવેદન બાદ વિરોધ જોવા મળ્યો છે.