May 2, 2024

અમિત શાહે ગાંધીનગર-CR પાટીલે નવસારી કલેક્ટર કચેરીમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું

અમદાવાદઃ લોકસભા ચૂંટણીનો માહોલ જામી ગયો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી ભાજપે ટિકિટ આપી છે. ત્યારે આજે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચી ગયા છે. કલેક્ટર કચેરીમાં અમિત શાહની હાજરી વખતે ચહલપહલ રોકી દેવામાં આવી છે. કોઈપણ વ્યક્તિને અવરજવર કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે.

ગાંધીનગરના જે રૂટ પર અમિત શાહ આવવાના છે. તે રૂટને સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યાં કોઈપણ વાહનને અવરજવર કરવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે. ચારે તરફ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ગાંધીનગર કલેક્ટર કચેરીને પણ પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે.

તો બીજી તરફ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સીઆર પાટીલને ભાજપે નવસારીથી ટિકિટ આપી છે. ત્યારે ગઈકાલે નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુભાઈ દેસાઈની હાજરીમાં જંગી રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિજય મુહૂર્ત ચૂકી જતા તેમણે આજે ફોર્મ ભરવાનું નક્કી કર્યું હતું. ત્યારે નવસારી કલેક્ટર કચેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ ઉપરાંત રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પણ ઉમેદવારી પત્ર ભર્યું છે. જામનગર ભાજપના ઉમેદવાર પૂનમ માડમે પણ કલેક્ટર કચેરીમાં પહોંચીને ઉમેદવારી પત્ર ભર્યું છે.