May 2, 2024

બિલાડીને બચાવવા છ લોકો કૂવામાં કૂદી પડ્યા, પાંચના કરૂણ મોત

પુણે/અહમદનગરઃ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક બિલાડીને બચાવવા માટે છ લોકોએ કૂવામાં કૂદી પડયા છે. આ ઘટનામાં પાંચના મોત થયા હતા. કમર ફરતે દોરડું બાંધીને કૂવામાં કૂદી પડનાર વ્યક્તિને જ જીવિત બચાવી શકાયો હતો. કૂવામાં પશુઓનો કચરો સંગ્રહિત થાય છે. એવું માનવામાં આવે છે કે બાકીના પાંચ લોકોના મોત પ્રાણીઓના છાણમાંથી નીકળતા ગેસને શ્વાસમાં લેવાના કારણે થયા હતા. આ કૂવાનો ઉપયોગ ગોબર ગેસ પ્લાન્ટ માટે થતો હતો.

એક વ્યક્તિ જીવતી રહી
આ ચોંકાવનારી ઘટના અહેમદનગર જિલ્લાના વડકી ગામમાં સામે આવી છે. 9 એપ્રિલે મોડી રાત્રે એક બિલાડી કૂવામાં પડી જતાં એક પછી એક છ લોકો કૂવામાં ઉતર્યા હતા. જેમાં પાંચ લોકોના મોત થયા હતા. અહમદનગરના નેવાસા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ અધિકારી ધનંજય જાધવે જણાવ્યું કે કુલ છ લોકો કૂવામાં ડૂબી ગયા હતા. બચાવ ટુકડીઓએ પાંચના મૃતદેહ બહાર કાઢ્યા હતા. બિલાડીને બચાવવાના પ્રયાસમાં તે તમામના મોત થયા હતા.

ઝેરી ગેસને કારણે ગૂંગળામણ થઇ
જાધવે જણાવ્યું કે એક વ્યક્તિ જે કમર પર રસ્સી બાંધીને કૂવામાં ઉતર્યો હતો તે બચી ગયો છે. પોલીસની હાજરીમાં રેસ્ક્યુ ટીમે તેને બચાવી લીધો હતો. તેની નજીકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ જૂના ઊંડા કૂવાનો ઉપયોગ બાયોગેસ પ્લાન્ટ માટે કરવામાં આવતો હતો. એક પછી એક કુવામાં ઉતરેલા લોકોના મોત ઝેરી ગેસના કારણે થયા હતા. પોલીસે તમામ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. બિલાડીને બચાવતી વખતે પાંચ લોકોના મોત થતાં ગામમાં શોકનો માહોલ છે.