જમ્મુ કાશ્મીરના સોપોરમાં અથડામણ, સુરક્ષા દળોએ એક આતંકી ઠાર માર્યો
Jammu Kashmir Encounter: જમ્મુ કાશ્મીરના સોપોરના રફિયાબાદમાં આજે આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. અથડામણમાં વધુ એક આતંકી ઠાર મારવામાં આવ્યો છે. આ કાર્યવાહી સોપોર પોલીસ અને 32 રાષ્ટ્રીય રાઈફલ્સના સંયુક્ત ઓપરેશનમાં કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં વધુ આતંકીઓ છુપાય હોવાની આશંકા છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ સાથે મળીને સેના દ્વારા આતંકીઓને શોધવા અને ઠાર મારવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 19 ઓગસ્ટ સોમવારના રોજ આતંકવાદીઓએ ડુડુના ચેલ વિસ્તારમાં સંયુક્ત પેટ્રોલિંગ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો, જેમાં CRPF ઇન્સ્પેક્ટર કુલદીપ કુમાર શહીદ થયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે. અહીં યોજાનારી ચૂંટણીમાં કોઈ ગડબડ ન થાય તે માટે કેન્દ્ર સરકારે ભારે સુરક્ષા દળો તૈનાત કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીમાં અર્ધલશ્કરી દળોની લગભગ 300 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી ચૂંટણીમાં પડોશી દેશ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી તમામ ગતિવિધિઓનો જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા દળો દ્વારા સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 22 ઓગસ્ટ ગુરુવારની સાંજે, નિયંત્રણ રેખા (LOC) પાર કરીને ભારતીય સરહદમાં ઘૂસેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સુરક્ષા દળોએ પકડી પાડ્યો હતો. અઝહર નામનો આ ઘૂસણખોર અંકુશ રેખા પર ચકન દા બાગ પાસે પકડાયો હતો.