December 29, 2024

Delhi Excise Policy: સીએમ કેજરીવાલને EDનું પાંચમી વખત તેડું

નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના સીએમ અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસની ચાલી રહેલી તપાસમાં 2 ફેબ્રુઆરીએ તપાસમાં જોડાવા માટે એક નવું સમન્સ જારી કર્યું છે. અગાઇ ઇડીએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરના રોજ કેજરીવાલને સમન મોકલ્યું હતું. પરંતુ દિલ્હીના સીએમ હાજર ન થયા. અગાઉ, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે કેજરીવાલે ઇડીને તેમના જવાબમાં પૂછ્યું હતું કે જો તેઓ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી નથી, તો પછી શા માટે સમન્સ જારી કરવામાં આવ્યું?

રાજકીય ષડયંત્રના ભાગરૂપે સમન્સ મોકલવામાં આવી રહ્યા છેઃ કેજરીવાલ
નોંધનીય છે કે ઇડી દ્વારા મોકલવામાં આવેલા સમન્સ અંગે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે રાજકીય ષડયંત્રના ભાગરૂપે સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. એક્સાઇઝ કેસની તપાસ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે. આ બે વર્ષમાં તેમણે કંઈ મળ્યું નથી. કેટલી રકમની વસૂલાત કરવામાં આવી, ક્યાંય સોનું કે જમીનના દસ્તાવેજો મળ્યા કે કેમ તે અંગે અનેક અદાલતોએ ઇડીને અનેક સવાલો પણ પૂછ્યા છે, પરંતુ ઇડીને ક્યાંય કશું મળ્યું નથી. લોકોને માર મારીને ખોટા નિવેદનો લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ આપના વરિષ્ઠ નેતા અને મંત્રી આતિશીએ કહ્યું કે ભાજપ પોતાના કામથી નહીં પરંતુ CBI-EDનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવા માંગે છે. બીજી બાજુ સીએમએ દાવો કર્યો કે તેમાં કોઈ ભ્રષ્ટાચાર થયો જ નથી. ઇડીને હજુ સુધી પુરાવા મળ્યા નથી, છેલ્લા બે વર્ષથી દારૂના કૌભાંડની ચર્ચા છે અને તપાસ એજન્સીએ અનેક દરોડા પાડ્યા છે.

આ પણ વાંચો : Jharkhand : ધરપકડ થાય તો હેમંત કલ્પના સોરેનને સીએમ બનાવશે? 43 ધારાસભ્યોની સહી લેવાઇ

કેજરીવાલે આરોપ લગાવ્યો કે તપાસ એજન્સીએ ખોટા કેસમાં આપના ઘણા નેતાઓને જેલમાં ધકેલી દીધા છે. હવે ભાજપ પૂછપરછના બહાને તેમની પણ ધરપકડ કરવા માંગે છે. ભાજપનો ઉદ્દેશ્ય આપના લોકસભા ચૂંટણી પ્રચારને રોકવાનો છે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમની સૌથી મોટી સંપત્તિ ઈમાનદારી છે. ખોટા આરોપો અને નકલી સમન્સ મોકલીને પ્રમાણિકતા પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવતા કહ્યું હતું કે તેણે આ મામલે ઇડીને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. જેનો સીધો અર્થ એ થયો કે તપાસ એજન્સી પાસે દારૂના કૌભાંડના કોઈ નક્કર પુરાવા નથી. એજન્સીના સમન્સ ગેરકાયદેસર છે. સીએમએ ગેરકાયદેસર સમન્સનું પાલન કરવું જોઈએ કે કેમ તે અંગે પ્રશ્ન કરતાં કહ્યું કે જો કાયદેસર રીતે યોગ્ય સમન્સ આવશે તો તેઓ સંપૂર્ણ સહકાર આપશે.