December 11, 2024

PAKISTAN : ઈમરાન ખાનને બે દિવસમાં બે વખત સજા

પાકિસ્તાન: પાકિસ્તાનના પૂર્વ પીએમ અને પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. ઇમરાન ખાનને ‘તોશાખાના’ કેસમાં 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. એક દિવસ પહેલા જ દોષી સાબિત થયા બાદ તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઇમરાન ખાનને બે દિવસમાં બે વખત સજા ફટકારવામાં આવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ અને 1992 ODI વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તેને તોશાખાના કેસમાં સજા થઈ છે. નોંધનીય છે કે ઈમરાન ખાનને પીએમ તરીકે જે ભેટો મળી હતી, તે ટેક્સમાં જાહેર કરી ન હતી અને વેચી દીધી હતી.

ઈમરાન ખાનને 23 કરોડનો દંડ
આ કેસમાં ઈમરાન ખાન પર કુલ 23 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ઈમરાન ખાનની રાજકીય મુશ્કેલીઓ પહેલાથી જ વધી ગઈ છે. ઈમરાન પર પહેલાથી જ પાંચ વર્ષ માટે કોઈપણ રાજકીય પદ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ હતો, પરંતુ હવે તેને વધારીને દસ વર્ષ કરી દેવામાં આવ્યો છે.

ઈમરાનની પત્ની બુશરા બીબીને પણ સજા
એપ્રિલ 2022માં અવિશ્વાસ મત પછી પીએમ પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારથી ઇમરાનની કાયદાકીય મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે તેમની સામે 100થી વધુ કેસ નોંધાયેલા છે. મહત્ત્વની વાત તો એ છે કે પહેલીવાર બન્યું છે કે કાયદાકીય વ્યવસ્થાએ તેની પત્નીને પણ જેલની સજા ફટકારી હોય. આ કેસમાં ઈમરાનની પત્ની બુશરા બીબીને પણ દોષિત ઠેરવવામાં આવી હતી અને તેને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ ઈમરાન ખાન અને તેના વકીલો તરફથી કોઈ તાત્કાલિક નિવેદન આપવમાં આવ્યું ન હતું.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, 15 લોકોના મોત

પાકિસ્તાનમાં ચૂંટણી થવાની છે
પાકિસ્તાનમાં આઠ દિવસમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે, બીજી બાજુ પીટીઆઈને ચૂંટણી લડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પીટીઆઈ દ્વારા આયોજિત રાજકીય રેલીઓને સત્તાવાળાઓ દ્વારા વિખેરી નાખવામાં આવી હતી અને રેલી બંધ કરવામાં આવી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, કરાચીમાં એક રેલીને પોલીસે અટકાવી હતી, જેમાં પોલીસે ટીયર ગેસ છોડ્યા હતા અને પીટીઆઈના ડઝનેક કાર્યકરોની અટકાયત કરી હતી. માહિતી અનુસાર પાકિસ્તાની ટીવી પર ઈમરાનનું નામ લેવા પર પણ ઘણા મહિનાઓ સુધી પ્રતિબંધ હતો.