July 27, 2024

Mumbai: મુંબઈ પોલીસને બોમ્બથી શહેરને ઉડાવી દેવાની ધમકી મળી

મુંબઈ : મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકીભર્યો મેસેજ મળ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં છ જગ્યાએ બોમ્બ મુકવામાં આવ્યા છે. મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને બોમ્બથી શહેરને ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બની ધમકી મળતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મેસેજ બાદ મુંબઈ પોલીસ અને અન્ય એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. મુંબઇ પોલીસે મેસેજ મોકલનારને શોધવાના પ્રયાસો ચાલુ કરી દીધા છે. મુંબઈ ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ હેલ્પલાઈન નંબરના વોટ્સએપ નંબર પર આ ધમકીભર્યો મેસેજ મોકલ્યો છે. મેસેજમાં આરોપીએ શહેરના છ વિસ્તારોમાં વિસ્ફોટ કરવાની ધમકી આપી છે. ટ્રાફિક પોલીસે આ અંગે મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ એટીએસને પણ જાણ કરી છે.

અગાઉ પણ આવા મેસેજ મળ્યા
નોંધનીય છે કે આ ધમકીભર્યા મેસેજ પહેલીવાર નથી. મુંબઈ શહેરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન કે મેસેજ અગાઉ પણ આવ્યાં હતા. હકીકતમાં, અગાઉ પણ પણ ઘણી વખત મુંબઈ પોલીસ અને કંટ્રોલ રૂમને આવા જ ધમકીભર્યા મેસેજ મળ્યા છે.

ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી
આ સંબંધમાં માહિતી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસની ટીમે કેટલાક શંકાસ્પદ સ્થળોની તપાસ કરી હતી, પરંતુ હજુ સુધી આ સંદર્ભમાં કોઈ માહિતી મળી નથી. મેસેજ મોકલનાર વ્યક્તિને શોધી કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગઈકાલે રાત્રે સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી
મુંબઈના ચેમ્બુર વિસ્તારની સિદ્ધાર્થ કોલોનીના એક મકાનમાં ગઈકાલે રાત્રે સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હતી. આગમાં 9 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.