નવસારીમાં ભારે વારસદથી તારાજી, 300થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર
નવસારી: દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસોથી થઈ રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે, નવસારી જિલ્લા કલેકટર શિપ્રા આગ્રે દ્વારા પુરગ્રસ્ત નવસારી જિલ્લાની માહિતી આપવામાં આવી છે. જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવ્યું છે કે નવસારી જિલ્લાની મહત્વની નદીઓ જેવી કે પૂર્ણા, અંબિકા, કાવેરી નદીઓ ભયજનક સપાટી વટાવી જતાં પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી.
નવસારી શહેરમાંથી સૌથી વધુ લોકોનું સ્થળાંતર
નવસારી જિલ્લા કલેકટર શિપ્રા આગ્રેએ વધુ માહિતી આપતા જણાવ્યું છે કે સમગ્ર જિલ્લામાં ઊભી થયેલી પૂરની સ્થિતિને કારણે 300થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સાવચેતીના ભાગરૂપે નવસારી શહેરમાંથી સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થળાંતરિત કરવામાં આવેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ હતી.
જિલ્લાની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લામાં ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હતી. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે પૂર્ણા નદી 28 ફૂટ પર પહોંચી ગઈ હતી. હાલમાં, પૂર્ણા નદી ભયજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર વહી રહી છે. તેમજ, અંબિકા નદી 32 ફૂટ પર પહોંચી ગઈ છે. અંબિકા નદી પણ ભયજનક સપાટીથી 4 ફૂટ ઉપર વહી રહી છે. તો આ નદીઓનું જળસ્તર વધવાને કારણે જિલ્લાની બીલીમોરા અને નવસારી નગરપાલિકા વિસ્તારમાં પુરની સ્થિતિ સર્જાઇ હતી.