December 22, 2024

આ બે રાજ્યમાં ચૂંટણીની તારીખ બદલવાની માગ, જાણો શું છે મામલો

Lok Sabha Election 2024: દેશમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકીય પક્ષો તેમજ જનતાની રાહનો અંત આવ્યો છે. આ વખતે પણ સાત તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂને થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.

કેરળમાં બીજા તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાશે. અહીં 26મી એપ્રિલે મતદાન થશે. તામિલનાડુમાં 19મી એપ્રિલે મતદાન થશે. હવે IUML સહિત અન્ય કેટલાક મુસ્લિમ સંગઠનોએ આ મામલે વાંધો વ્યક્ત કર્યો છે. 19મી એપ્રિલ અને 26મી એપ્રિલ બંને શુક્રવાર આવી રહ્યા છે. આ દિવસ દરેક મુસ્લિમ માટે મહત્વપૂર્ણ છે. આ દિવસે દરેક વ્યક્તિ નમાઝ અદા કરે છે. આવી સ્થિતિમાં શુક્રવારે યોજાનારી ચૂંટણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ જ કારણ છે કે મુસ્લિમ સંગઠનો ચૂંટણીની તારીખ બદલવાની માંગ કરી રહ્યા છે.

‘શુક્રવારે ચૂંટણી થશે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે’
ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)નું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે ચૂંટણીની તારીખ બદલીને કોઈ અન્ય તારીખ કરવામાં આવે. આ માટે તેઓ ભારતીય ચૂંટણી પંચ (ECI)નો સંપર્ક કરશે. IUML અનુસાર, શુક્રવારે ચૂંટણી યોજવાથી મતદારો, અધિકારીઓ અને ઉમેદવારોને ઘણી અસુવિધા થાય છે કારણ કે શુક્રવાર મુસ્લિમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે.

તારીખ બદલવા માટે ચૂંટણી પંચ પાસે જશે
IUMLના રાજ્ય મહાસચિવ પીએમ એ સલામનું કહેવું છે કે શુક્રવારે લોકો નમાઝ અદા કરવા માટે મસ્જિદોમાં એકઠા થાય છે. આવી સ્થિતિમાં શુક્રવારે મતદાન થવાથી મતદારો, ઉમેદવારો, પોલિંગ એજન્ટો અને ચૂંટણી ફરજ પર નિયુક્ત અધિકારીઓને અસુવિધા થશે. રાજ્યના જનરલ સેક્રેટરીએ કહ્યું કે IUML તારીખ બદલવાની માંગણી સાથે ECIનો સંપર્ક કરશે. IUML ઉપરાંત, અન્ય સંસ્થાઓ પણ તારીખમાં ફેરફારની માગણી સાથે ચૂંટણી પંચનો સંપર્ક કરવાની યોજના બનાવી રહી છે.

તમને જણાવી દઈએ કે કેરળની 20 સીટો પર 26 એપ્રિલના રોજ એક જ દિવસે ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાંથી 18 બેઠકો જનરલ કેટેગરીની છે જ્યારે 2 બેઠકો અનામત છે. તમિલનાડુમાં પ્રથમ તબક્કામાં 19મી એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. અહીં એક જ દિવસે 39 બેઠકો પર મતદાન થશે. તમિલનાડુમાં 39 બેઠકોમાંથી 7 અનામત બેઠકો છે.