November 6, 2024

વિશ્વની એકમાત્ર ત્રણ હાથ ઉપર હોય તેવી કૃષ્ણની મૂર્તિ, જાણો ડાકોરના ઠાકોરની વિશેષતા

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ગુજરાતમાં ભગવાન કૃષ્ણના મુખ્ય ચાર યાત્રાધામ આવેલા છે. દ્વારકા, ડાકોર, શામળાજી અને તુલસીશ્યામ. આ ચારેય જગ્યાએ ભગવાનની મૂર્તિ કાળા પથ્થરમાંથી જ બનેલી છે. બીજી એક કોમન વાત એ છે કે, ચારેય સ્વરૂપ ચતુર્ભુજ છે એટલે કે ચાર હાથવાળા છે. પરંતુ ત્રણેય મૂર્તિમાંથી ડાકોરની મૂર્તિ એકદમ અલગ પડે છે. આવો જાણીએ તેની વિશેષતા…

ડાકોરમાં ભગવાન કૃષ્ણની મૂર્તિના ત્રણ હાથ ઉપર છે અને એક હાથ નીચે છે. સામાન્ય રીતે, ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન કૃષ્ણના બે હાથ ઉપર અને બે હાથ નીચે હોય છે. દ્વારકા, શામળાજી અને તુલસીશ્યામમાં આ પ્રકારની મૂર્તિ છે. પરંતુ ડાકોરમાં આ મૂર્તિ અલગ પડે છે. આ મૂર્તિ શાલિગ્રામ પથ્થરમાંથી બનેલી છે.

ભગવાનના બંને જમણા હાથ ઉપર છે. તેમાંથી એક હાથમાં ગદા ધારણ કરેલી છે અને બીજો હાથ પદ્મ અવસ્થામાં છે. આ હાથ ભક્તોને આશિર્વાદ આપતી મુદ્રામાં છે. જ્યારે બંને ડાબા હાથમાંથી એક હાથ ઉપર છે જેમાં ચક્ર ધારણ કર્યું છે અને બીજા હાથમાં શંખ ધારણ કર્યો છે.

આ ઉપરાંત સમગ્ર વિશ્વનું આ એકમાત્ર મંદિર છે. જ્યાં ભગવાન કૃષ્ણને ખુલ્લા દ્વારે જ સ્નાન કરાવવામાં આવે છે અને શ્રૃંગાર કરવામાં આવે છે. સ્નાન અને શ્રૃંગારના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે.