May 4, 2024

રાજ્યસભાની ચૂંટણીના 36 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ

જયેશ ચૌહાણ, અમદાવાદ: સમગ્ર ભારતમાં હાલ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. જેમાં રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠક પર 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે જેમાં 56 બેઠક પર 59 ઉમેદવારો નોંધાયા છે. બીજી બાજુ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ એક રિપોર્ટ આવ્યો છે જેમાં કેટલીક બાબતો ચોંકાવનારી સામે આવી રહીં છે, ચૂંટણી અધિકારો માટે કામ કરતી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા રાજ્યસભાના 58 ઉમેદવારોના શપથપત્રોનું વિશ્લેષણ કરીને એક અહેવાલ જાહેર કર્યો છે. ADR અને નેશનલ ઇલેક્શન વોચે 15 રાજ્યોમાં 56 બેઠકો માટે ચૂંટણી લડતા 59 ઉમેદવારોમાંથી 58ના એફિડેવિટનું વિશ્લેષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાશે. માહિતી અનુસાર કર્ણાટકના કોંગ્રેસના ઉમેદવાર જીસી ચંદ્રશેખરના સોગંદનામાનું વિશ્લેષણ થઈ શક્યું નથી કારણ કે ચંદ્રશેખરે રજૂ કરેલ દસ્તાવેજ સ્પષ્ટ રીતે સ્કેન કરવામાં આવ્યો ન હતો.એડીઆરના આ રિપોર્ટમાં ઉમેદવારનો ક્રિમીનલ રેકોર્ડ, સંપત્તિ, દેવુ, શિક્ષણ સહિતની વિગતોનું વિશ્લેષણ કર્યુ છે, આ રિપોર્ટમાં જાણવા મળ્યું હતુ કે રાજ્યસભાની ચૂંટણીના 36 ટકા ઉમેદવારોએ પોતાની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે, બીજી બાજુ વિશ્લેષણ કરાયેલ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ રૂ. 127.81 કરોડ છે.

ફોજદારી કેસો

  • 36 ટકા ઉમેદવારોએ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા
  • 17 ટકા ઉમેદવારો પર ગંભીર ગુનાહિત આરોપ
  • એક ઉમેદવાર પર હત્યાના પ્રયાસનો કેસ છે
  • ભાજપના 30માંથી 8, કોંગ્રેસના 9માંથી 6 ઉમેદવારો
  • તૃણમૂલ કોંગ્રેસના 4માંથી 1 ઉમેદવાર
  • સમાજવાદી પાર્ટીના 3માંથી 2 ઉમેદવારો
  • YSRCPના 3માંથી 1 ઉમેદવાર
  • RJDના 2માંથી 1 ઉમેદવાર સામે ફોજદારી કેસ

એડીઆરના રિપોર્ટમાં ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે, રિપોર્ટમાં ગુજરાતના ૪ ઉમેદવારોની વિગત સામે આવી છે, જેમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતના એક પણ ઉમેદવાર સામે ગુનો નોંધાયેલો નથી. થોડા દિવસ પહેલાં જ બીજેપી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક અને જસવંતસિંહ પરમારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. એડીઆરના રિપોર્ટ મુજબ ભાજપના ઉમેદવાર ગોવિંદ ધોળકિયાની સંપત્તિ 279 કરોડની સંપત્તિ છે અને ગોવિંદ ધોળકિયાનો અભ્યાસ ધો.૫ પાસ સુધી દર્શાવવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પાસે ૯ કરોડની સંપત્તિ છે. મયંક નાયક પાસે ૧૧ કરોડની સંપત્તિ છે જેનો અભ્યાસ ધો.૧૨ પાસ સુધી છે અને જશવંતસિંહ પરમાર પાસે 14 કરોડથી વધુની સંપત્તિ દર્શાવવામાં આવી છે.

અબજોપતિ ઉમેદવાર

  • ૨૧ ટકા ઉમેદવાર અબજોપતિ જેની સંપત્તિ ૧૦૦ કરોડથી વધુ
  • રાજ્યસભાના ઉમેદવારોની સરેરાશ સંપત્તિ 127.81 કરોડ
  • કોંગ્રેસના હિમાચલ પ્રદેશના ઉમેદવાર અભિષેક મનુ સિંધવી સૌથી વધુ 1872 કરોડની સંપત્તિ ધરાવે છે
  • બીજા સ્થાને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર જયા બચ્ચન છે, જેમની કુલ સંપત્તિ 1,578 કરોડ છે
  • સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ઉમેદવાર મધ્યપ્રદેશના ભાજપ ઉમેદવાર બાલયોગી ઉમેશનાથ છે, જેમની પાસે 47 લાખથી વધુની સંપત્તિ

દેશની સંસદ એટલે લોકશાહીનું મંદિર અને એ લોકશાહીના મંદિર રૂપી સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પ્રબુદ્ધ વ્યક્તિઓ પહોંચી અને દેશના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી કાયદાઓ ઘડવામાં આવે છે પરંતુ રાજ્યસભામાં હવે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધી રહીં છે. 27 ફેબ્રુઆરીના રાજ્યસભાની 56 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે દાવેદારી કરનાર 59 ઉમેદવારોના શપથપત્રોનું વિશ્લેષણ કરનાર ADRના રિપોર્ટ અનુસાર રાજ્યસભામાં પહોંચી રહેલા 56 ઉમેદવારોમાંથી 21 ઉમેદવારો સામે ફોજદારી કેસ જ્યારે 10 ઉમેદવારો વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને એક ઉમેદવાર પર હત્વિયાના પ્રયાસનો ગુનો પણ નોંધાયેલો છે.

36 ટકા ઉમેદવારોનો ક્રિમિનલ રેકોર્ડ 

ભાજપ 08
કોંગ્રેસ 06
TMC 01
સ.પા. 01
YSRCP 01
RJD 01
BJD 01
BRS 01