અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં મતગણતરીની તારીખો બદલાઈ
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીની સાથે અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે, પરંતુ આ બંન્ને રાજ્યમાં મતગણતરીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ રાજ્યોમાં મતગણતરી 2 જૂનના કરવામાં આવશે. જ્યારે બંન્ને રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 19 એપ્રિલના થશે. મહત્વનું છેકે, બંન્ને રાજ્યોમાં વિધાનસભાનું કાર્યકાળ 2 જુન 2024ના રોજ પુરૂ થાય છે. આથી મતગણતરીની તારીખ 2 જૂન કરવામાં આવી છે. ચૂંટણી કમિશનરે શનિવારે અરૂણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. જેમાં તમામ 60 બેઠકો પર એક જ તબ્બકામાં 19 એપ્રિલના મતદાન થશે અને તેની મતગણતરી 4 જુનના રોજ કરવામાં આવશે. જેમાં ફેરફાર કરીને હવે 2 જૂન કરવામાં આવી છે.
BJPએ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા
આ વખતે પાર્ટીએ 16 નવા ચહેરાઓને તક આપી છે, જ્યારે ત્રણ વર્તમાન મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી છે. મુખ્ય પ્રધાન પેમા ખાંડુ મુક્તો બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જેનું તેઓ હાલમાં ગૃહમાં પ્રતિનિધિત્વ કરે છે.
સિક્કિમની વાત કરીએ તો ચૂંટણી પંચે અહીં પણ સામાન્ય ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. અહીં 19 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે અને 2 જૂને મતગણતરી થશે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) ના પ્રેમ સિંહ તમંગ હાલમાં 32 સીટોની વિધાનસભામાં મુખ્યમંત્રી છે.
રાજ્યમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાની સરકાર છે
સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) હાલમાં રાજ્યમાં શાસક પક્ષ છે. જેનું નેતૃત્વ મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગ કરી રહ્યા છે. સિક્કિમ વિધાનસભામાં તેમના ધારાસભ્યોની સંખ્યા 17 છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) એ થોડા દિવસો પહેલા 6 સીટો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગે નવમી વખત ધારાસભ્ય બનવા માટે નામચી-સિંઘીથાંગથી ચૂંટણી લડશે.
સિક્કિમમાં છેલ્લી ચૂંટણીના પરિણામો કેવા રહ્યા?
2019ની લોકસભા ચૂંટણીની સાથે અહીં 11 એપ્રિલ, 2019ના રોજ એક જ તબક્કામાં મતદાન થયું હતું. જેમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) અને સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. ચૂંટણી બાદ SDF એ 25 વર્ષથી સિક્કિમમાં પ્રભુત્વ ધરાવતો પક્ષ હોવા છતાં 15 બેઠકો જીતી હતી. જ્યારે SKF એ 17 બેઠકો જીતી હતી. જે વિધાનસભામાં સાદી બહુમતી માટે પૂરતી હતી. જેના પગલે SKMના પ્રેમ સિંહ તમંગે સિક્કિમના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.