November 5, 2024

કોંગ્રેસ કાર્યકર્તાના હાથમાં ત્રિરંગો છતાં સિદ્ધારમૈયાના જૂતા ઉતાર્યા, BJPએ કરી માફીની માંગ

Siddaramaiah VIdeo National Flag: હાથમાં ત્રિરંગો પકડેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પગમાંથી એક કોંગ્રેસ કાર્યકર જૂતા ઉતારી રહ્યો હોવાનો એક કથિત વીડિયો સામે આવ્યો છે. આ પછી ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ બુધવારે સિદ્ધારમૈયા અને શાસક પક્ષને દેશ અને રાષ્ટ્રધ્વજનું ‘અપમાન’ કરવા બદલ લોકોની માફી માંગવા કહ્યું હતું.

આ ઘટના ત્યારે બની જ્યારે મુખ્યમંત્રી મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. વીડિયોમાં જ્યારે પાર્ટી કાર્યકર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના જૂતા ઉતારી રહ્યો હતો ત્યારે સ્થળ પર હાજર અન્ય એક વ્યક્તિ પાર્ટી કાર્યકરના હાથમાંથી ઝંડો લેતો જોવા મળ્યો હતો.

‘X’ પર આ કથિત વીડિયો શેર કરતી વખતે વિજયેન્દ્રએ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, ‘ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત થયા બાદ ભારત આજે વિશ્વમાં એક અગ્રણી રાષ્ટ્ર છે. રાષ્ટ્રવાદ, રાષ્ટ્રધ્વજ, દેશભક્ત, આ બધું કોંગ્રેસ માટે હંમેશા અર્થહીન રહ્યું છે.

વિજયેન્દ્રએ કહ્યું, ‘કોંગ્રેસીઓએ ગાંધી જયંતિ પર ગુલામીના પ્રતીક તરીકે રાષ્ટ્રધ્વજ રજૂ કર્યો હતો અને મુખ્યમંત્રીએ તેની સામે કોઈ વાંધો પણ ઉઠાવ્યો ન હતો. આ રાષ્ટ્ર અને રાષ્ટ્રધ્વજનું અપમાન છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કોંગ્રેસે તાત્કાલિક દેશવાસીઓની માફી માંગવી જોઈએ.