યુવાનોને ડ્રગ્સના ખપ્પરમાં હોમવા માંગે છે કોંગ્રેસ: અમિત શાહ
Amit Shah slams on Congress: દિલ્હીમાંથી જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જ્યાં એક તરફ મોદી સરકાર ‘નશામુક્ત ભારત’ માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાંથી જપ્ત કરાયેલા રૂપિયા 5,600 કરોડના ડ્રગ્સના કન્સાઈનમેન્ટમાં કોંગ્રેસના એક અગ્રણી વ્યક્તિની સંડોવણી અત્યંત ખતરનાક અને શરમજનક છે.
વાસ્તવમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ ગુરુવારે આરોપ લગાવ્યો કે ડ્રગના ગોરખધંધા સાથે જોડાયેલા 5,600 કરોડ રૂપિયાના જપ્તીના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપીને ભારતીય યુવા કોંગ્રેસના દિલ્હી યુનિટના માહિતી અધિકાર (RTI) સેલના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અગાઉ, પોલીસે એમ પણ કહ્યું હતું કે મુખ્ય આરોપી એક રાષ્ટ્રીય રાજકીય પક્ષના નેતાઓ સાથે કથિત સંબંધો ધરાવતો હોવાનો ખુલાસો થયો છે. ભારત અને વિદેશના લગભગ ડઝન એક લોકો પશ્ચિમ એશિયાના દેશોમાંથી ભારતમાં પ્રતિબંધિત દવાઓની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય ગેંગમાં કથિત રીતે સામેલ હતા.
આ અંગે કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં ડ્રગ્સના કારણે પંજાબ, હરિયાણા અને સમગ્ર ઉત્તર ભારતમાં યુવાનોની હાલત થઈ ગઈ છે, તે બધાએ જોયું છે. મોદી સરકાર યુવાનોને રમતગમત, શિક્ષણ અને ઈનોવેશન તરફ લઈ જઈ રહી છે જ્યારે કોંગ્રેસ તેમને ડ્રગ્સની અંધકારની દુનિયામાં ધકેલવા માંગે છે. કોંગ્રેસના નેતાના રાજકીય પ્રભાવ વડે યુવાનોને ડ્રગ્સના દલદલમાં ધકેલી દેવાનું જે પાપ કરવાના હતા તેને મોદી સરકાર ક્યારેય પૂરું નહિ થવા દે. અમારી સરકાર ડ્રગ ડીલરોની રાજકીય સ્થિતિ અથવા કદ જોયા વિના, સમગ્ર ડ્રગ ઇકોસિસ્ટમનો નાશ કરીને ‘ડ્રગ-ફ્રી ઇન્ડિયા’ બનાવવા માટે સંકલ્પબદ્ધ છે.