May 5, 2024

ટીકા કરનારાઓને પૂજારાનો જડબાતોડ જવાબ, સૌરાષ્ટ્ર માટે ફટકારી અડધી સદી

ચેતેશ્વર પૂજારાને તેના પ્રદર્શનને કારણે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તેને ભારતીય ટેસ્ટ ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ પૂજારાએ પોતાની મહેનતમાં સહેજ પણ ઘટાડો કર્યો નથી. હવે તેણે પોતાના બેટથી ટીકાકારોને જવાબ આપ્યો છે. પુજારાએ સૌરાષ્ટ્ર માટે રમતી વખતે 2023-24 રણજી ટ્રોફીમાં જોરદાર અડધી સદી ફટકારી છે. તેણે અર્પિત વસાવડા સાથે પણ જબરદસ્ત ભાગીદારી કરી છે.

રાજકોટમાં સૌરાષ્ટ્ર અને ઝારખંડ વચ્ચે રણજી ટ્રોફીની મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઝારખંડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 142 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં સૌરાષ્ટ્રની ટીમ હવે બેટિંગ કરી રહી છે. પુજારા સૌરાષ્ટ્ર માટે ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કર્યું અને અડધી સદી ફટકારી. પૂજારાએ 79 બોલનો સામનો કરીને અણનમ 55 રન બનાવ્યા છે. આ સિવાય તેણે 6 ચોગ્ગા ફટકાર્યા હતા. પૂજારાના કારણે સૌરાષ્ટ્ર મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે.

આ મેચમાં ઓપનર હાર્વિક દેસાઈએ સૌરાષ્ટ્રને શાનદાર શરૂઆત અપાવી હતી. હાર્વિકે 119 બોલનો સામનો કર્યો અને 85 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 14 ચોગ્ગા સામેલ હતા. સ્નેલ પટેલે 15 રનની ઇનિંગ રમી હતી. શેલ્ડન જેક્સને પણ અડધી સદી ફટકારી હતી. જેક્સને 74 બોલનો સામનો કર્યો અને 54 રન બનાવ્યા. તેણે 8 ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. પૂજારાએ જેક્સન સાથે સારી ભાગીદારી રમી હતી. તેણે અર્પિત સાથે સારી ભાગીદારી પણ રમી હતી.