May 18, 2024

અંબાતી રાયડૂનો રાજકારણમાંથી થયો મોહભંગ! 9 દિવસમાં છોડી પાર્ટી

અંબાતી રાયડૂએ ચોંકાવનારો નિર્ણય લીધો છે. ક્રિકેટરે સોશિયલ મીડિયા પર રાજકારણ છોડી દીધું છે એવી જાહેરાત કરી છે. તેમણે પોતે રાજકારણ છોડવાના નિર્ણય અંગે જણાવ્યું છે. રાયડૂએ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. રાયડુએ 9 દિવસ પહેલા એટલે કે 28 ડિસેમ્બરે જ પાર્ટીમાં જોડાયા હતા. જોકે, હંમેશા માટે રાજકારણ નથી છોડ્યું પણ થોડાક સમય માટે જ રાજનીતિથી દૂર થયા છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે સોશિયલ મીડિયા દ્વારા તેમના આ નિર્ણય અંગે જણાવ્યું છે.

રાયડૂએ ટ્વિટ કરી લખ્યું, આ સૌને જાણ કરવા માટે છે કે મેં YSRCP પાર્ટી છોડવાનો અને થોડા સમય માટે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. યોગ્ય સમયે આગળની કાર્યવાહીની જાહેરાત કરવામાં આવશે.”

રાયડૂએ 28 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના સીએમ વાઇએસ જગન મોહન રેડ્ડીની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. આ દરમિયા રાજ્યના ડે.સીએમ નારાયણ સ્વામી અને સાંસદ પેડ્ડીરેડ્ડી મિથુન રેડ્ડી પણ હાજર હતા. જ્યારે પાર્ટી છોડવાના નિર્ણય અંગે રાયડૂએ કંઇ ચોખવટ કરી નથી. તેમણે જણાવ્યું કે તે આગળની કાર્યવાહી અંગે યોગ્ય સમય આવવા પર જણાવશે.

IPL 2023 બાદ ક્રિકેટને કહ્યું હતું અલવિદા

ઉલ્લેખનીય છે કે આઇપીએલ 2023 બાદ ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. 2023 આઇપીએલમાં રાયડૂ ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ હતા. જે ચેમ્પિયન બન્યા હતા. જોકે, આ પહેલા 2019માં રાયડૂ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા હતા.

જ્યારે પૂર્વ ભારતીય ક્રિકેટરના કરિયરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય કરિયરમાં 55 વનડે અને 6 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમ્યા તે સિવાય તેમણે પોતાના કરિયરમાં 203 આઇપીએલ મેચ રમી હતી.