May 2, 2024

સલમાનના ઘર પર ગોળીબાર પહેલા ફાર્મ હાઉસની રેકી, ડરાવવા માંગતા હતા આરોપી

મુંબઈ: અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવા બદલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના ચાર દિવસ પહેલા બંને આરોપીઓએ રાયગઢ જિલ્લાને અડીને આવેલા પનવેલમાં અભિનેતાના ફાર્મ હાઉસની રેકી કરી હતી.

અત્યાર સુધીની તપાસ અનુસાર એક પોલીસ અધિકારીએ કહ્યું કે એવું લાગે છે કે રવિવારની વહેલી સવારે બાંદ્રાના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાનના ઘરની બહાર ગોળીબાર કરવા પાછળ હુમલાખોરોનો હેતુ ભય પેદા કરવાનો હતો. પોલીસે શૂટર સાગરપાલના ભાઈની પણ પૂછપરછ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કેસમાં નવી ધરપકડ થઈ શકે છે.

ફાર્મ હાઉસની પણ રેકી કરી
પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન આરોપી વિકી ગુપ્તા (24) અને સાગર પાલે (21)એ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને જણાવ્યું કે તેઓ 14 એપ્રિલે મુંબઈમાં તેના ઘરની બહાર શૂટિંગના ચાર દિવસ પહેલા પનવેલમાં સલમાનના ફાર્મ હાઉસની મુલાકાતે ગયા હતા. રેકી પણ કરી હતી. ઓફિસરે કહ્યું કે સલમાન અવારનવાર મુંબઈથી લગભગ 60 કિલોમીટર દૂર તેના ફાર્મ હાઉસની મુલાકાત લે છે.

પોલીસ સીસીટીવી કેમેરા સ્કેન કરી રહી છે
હાલ પોલીસ ફાર્મ હાઉસના ગેટ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાનું સ્કેનિંગ કરી રહી છે. તેણે જણાવ્યું કે બિહારના રહેવાસી બંને આરોપીઓએ પનવેલના હરિગ્રામ વિસ્તારમાં સ્થિત સલમાનના ફાર્મ હાઉસથી લગભગ 10 કિલોમીટર દૂર એક ઘર ભાડે લીધું હતું.

બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટનાના 48 કલાકની અંદર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી હતી. બંને આરોપીઓએ ગુનામાં પોતાની સંડોવણી સ્વીકારી લીધી છે.