November 5, 2024

કેનેડીયન સંસદમાં ઉઠ્યો બાંગ્લાદેશી હિન્દુઓનો મુદ્દો, ભારતવંશી સાંસદે બુલંદ અવાજે કહ્યું: “અમે તમને નિશાન નહીં બનવા દઈએ”

Canada News: ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલી હિંસાને લઈને અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલી હિંસક ઘટનાઓને લઈને ખૂબ જ ચિંતિત છે. કેનેડાના સાંસદે કહ્યું કે બાંગ્લાદેશમાં હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સહિત લઘુમતી સમુદાયોને નિશાન બનાવીને હિંસા આચરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જ્યારે પણ બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા સર્જાય છે ત્યારે ખાસ કરીને હિંદુ લઘુમતીઓએ તેનો ભોગ બનવું પડે છે. 1971માં બાંગ્લાદેશની આઝાદી બાદથી આ દેશમાં ધાર્મિક લઘુમતીઓની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો છે.

કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ કહ્યું કે બાંગ્લાદેશમાં રહેતા કેનેડિયન હિંદુ પરિવારના લોકો પોતાના પરિવાર અને સંપત્તિની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છે. આ લોકો આવતા અઠવાડિયે 23મી ઓગસ્ટે સંસદની સામે રેલી કાઢવા જઈ રહ્યા છે, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની વર્તમાન સ્થિતિને ઉજાગર કરવામાં આવશે. બાંગ્લાદેશમાં રહેતા કેનેડિયન બૌદ્ધ અને ખ્રિસ્તી પરિવારોના સભ્યો પણ આ રેલીમાં ભાગ લેશે.

આ પણ વાંચો: ઇરાનના સુપ્રીમ લીડરે ભારતીય મુસ્લિમોને લઈને આપ્યું વિવાદિત નિવેદન તો ભડક્યું ઇઝરાયલ

સત્તા પરિવર્તન બાદ હિંદુઓને બનાવવામાં આવ્યા શિકાર
બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ હિન્દુઓ વિરુદ્ધ મોટા પાયે હિંસા ફાટી નીકળી. આ દરમિયાન બાંગ્લાદેશના 27 જિલ્લામાં હિન્દુ પરિવારો પર હુમલા થયા. હિંદુઓના ઘરો લૂંટી લેવાયા અને આગ લગાડવામાં આવી. આ ઉપરાંત હિન્દુ મંદિરોને પણ નિશાન બનાવીને ત્યાં પણ લૂંટફાટ કરવામાં આવી. અવારનવાર હિંદુ મંદિરોમાં તોડફોડના અહેવાલો આવતા રહે છે. શેખ હસીનાની સરકારના પતન બાદ બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓએ તેમની પાર્ટી સાથે જોડાયેલા લોકોને પણ નિશાન બનાવ્યા. આ દરમિયાન અવામી લીગ સાથે જોડાયેલા નેતાઓના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હતી. બાંગ્લાદેશની ઇસ્લામી જમાતે પણ સ્વીકાર્યું હતું કે શેખ હસીનાની સરકારના પતન બાદ લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.