November 6, 2024

અંબાજીમાં પદયાત્રિકો માટે 3 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવાશે

વિક્રમ સરગરા, અંબાજીઃ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળામાં પદયાત્રિકો માટે અંબાજી મંદિર 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે.

ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે યાત્રાધામ અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુ માતાજીના મોહનથાળના પ્રસાદનું મહત્વ છે કે જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી. તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે અને માતાજીના દર્શને આવેલા યાત્રિકો અચૂક મા અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે.

અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી મોહનથાળાનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માગ સંતોષવા માટે ત્રણ લાખ કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જો કે, આ મોહનથાળના પ્રસાદમાં ચણાનો લોટ, કકરુ બેસન, ખાંડ, શુદ્ધ દેશી ઘી સાથે ઈલાયચીનું મિશ્રણ તૈયાર કરીને બનાવવામાં આવે છે.

ટ્રસ્ટે આ 3.25 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે. તેમાં એક લાખ કિલો કકરું બેસન, દોઢ લાખ કિલો ખાંડ, 75 હજાર કિલો શુદ્ધ ઘી અને 200 કિલો ઈલાયચીના વપરાશનો અંદાજ કરવામાં આવ્યો છે. જેમાંથી યાત્રિકોને આપાતા નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે.