November 5, 2024

Sabarmati પોલીસ સ્ટેશનના જ પોલીસે રૂ. 53 લાખની કરી ચોરી

મિહિર સોની, અમદાવાદ: કેન્સરની બીમારીએ એક પોલીસ કર્મચારીને ગુનેગાર બનાવી દીધો. પોલીસ સ્ટેશનમાં સરકારી મુદ્દામાલના રૂપિયા અંગત કામ માટે ઉપયોગ કરીને લાખો રૂપિયાની ઉચાપત કરી છે. સાબરમતી પોલીસે પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી. સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ચોરી કે ઉચાપતને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ અમદાવાદનાં એક પોલીસ સ્ટેશનમાંથી જ લાખો રૂપિયાની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે. આ ઉચાપત કરનાર બીજો કોઇ નહીં પણ કાયદાનો રક્ષક પોલીસ કર્મચારી જ છે. આ ઘટના શહેરના સાબરમતી પોલીસ સ્ટેશનમાં સામે આવી છે.

આ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજાવતા ASI જયેન્દ્ર સિંહ પરમારે જુદા જુદા ગુનાઓનાં સરકારી મુદ્દામાલ એવા રોકડ નાણાં 53.65 લાખની ઉચાપત કરી છે. એક વર્ષ પહેલાં આ પોલીસ કર્મચારીની બદલી થતાં નવા ક્રાઇમ રાઈટર ફરજ પર હાજર થયા હતા. તેમણે મુદ્દામાલને લઈને તપાસ કરતા વર્ષ 2016 થી 2023 સુધીના જુદા જુદા 262 કેસોની રોકડ મુદ્દામાલનો હિસાબ નહીં હોવાનું સામે આવ્યું હતું. હિસાબને લઈને તપાસ કરતા પોલીસ કર્મી જયેન્દ્ર સિંહનો ભાંડો ફૂટ્યો હતો. જેથી સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી જયેન્દ્ર સિંહ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદની 700 શાળાના આચાર્યોને ફાયર સેફ્ટીની ટ્રેનિંગ

પોલીસ સ્ટેશનમાં ઉચાપત કેસમાં સાબરમતી પોલીસે જયેન્દ્ર સિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે પોલીસ કર્મી જયેન્દ્ર સિંહ કેન્સરની બીમારી અને હાર્ટની તકલીફનાં કારણે આર્થિક સંકળામણમાં રહેતો હતો. જેના કારણે પોતાની બીમારીનાં ઈલાજ માટે તેણે પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કેસના જેવા કે પ્રોહોબિશન, જુગાર, ઘરફોડ ચોરી જેવા ગુનાના મુદ્દામાલની નાણાકીય રોકડ ક્રાઇમ ટેબલની તિજોરીના લોકરમાંથી લઇ લીધા હતા. આ નાણાં કોર્ટની અંદર જમા કરવાના હતા અને ગુનાનો મુદ્દામાલ ફરિયાદી છોડાવી શકે છે, પરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસ કર્મી જયેન્દ્ર સિંહએ મુદ્દામાલ જમાં કરાવેલ ન હતો અને પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઉચાપતનો મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા જ જયેન્દ્ર સિંહ પરમારને મુદ્દામાલ પૈસા જમાં કરવાની સૂચના આપી હતી. આ દરમિયાન મુદ્દામાલ જમા નહીં થતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: સુરત પોલીસે ATM તોડી રૂપિયા ચોરવાનો પ્રયાસ કરનારા બે આરોપીને ઝડપી પાડ્યા

ઉચાપત કરનાર પોલીસ કર્મી ASI જયેન્દ્રસિંહ વર્ષ 1990થી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. વર્ષ 2016માં સાબરમતી પોલીસ સ્ટેશન ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજાવતો હતો. નવેમ્બર 2023માં તેની બદલી સાબરમતી પોલીસ સ્ટેશનથી વિશેષ શાખા થઈ હતી. આ સમયે છેલ્લા 6 મહિનાથી કેન્સરની બીમારથી સીક લિવ પર હતો. હાલ સાબરમતી પોલીસે પોલીસ કર્મીની ધરપકડ કરી છે તેમજ તેણે ઉચાપત કરેલી રોકડ રકમ શું કર્યુ તેને લઇ વધુ તપાસ હાથ ધરી છે.