January 22, 2025

PM Modiએ Nitish-Naiduના કર્યા ભરપેટ વખાણ? જાણો કારણ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રથમ ભાષણમાં સહયોગીઓના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આંધ્ર પ્રદેશમાં ચંદ્ર બાબુ નાયડુ અને બિહારમાં નીતિશ બાબુના નેતૃત્વમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું. PMના નીતીશ-નાયડુના વખાણમાં મોટો રાજકીય સંદેશ છુપાયેલો છે. અહીં નોંધનીય બાબત એ છે કે ભાજપ પોતાના દમ પર કેન્દ્રમાં સત્તા કબજે કરી શકશે નહીં. આવી સ્થિતિમાં એનડીએમાં સામેલ નીતીશ અને ચંદ્રબાબુ નાયડુ એનડીએ સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ભાજપ માટે કેટલા મહત્વપૂર્ણ છે?

પહેલા બિહાર લોકસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ. અહીં ભાજપ અને જેડીયુએ સાથે મળીને ચૂંટણી લડી હતી. રાત્રે 8 વાગ્યા સુધીના ચૂંટણી પંચના વલણો અનુસાર બિહારમાં ભાજપે 5 બેઠકો જીતી છે. જ્યારે જેડીયુએ 4 બેઠકો જીતી છે. આ સાથે ભાજપ 7 સીટો પર અને જેડીયુ 8 સીટો પર આગળ છે. એટલે કે જેડીયુને 12 લોકસભા સીટો મળી શકે છે. આ 12 બેઠકો ભાજપ માટે ઘણી મહત્વની છે. પરિણામોની જાહેરાતની સાથે ઈન્ડિયા એલાયન્સ પણ નિશ્ચિતપણે નીતિશ કુમારને આકર્ષવાનો પ્રયાસ કરશે.

NDA માટે નીતિશ કુમાર કેમ મહત્વપૂર્ણ છે?
ઈન્ડિયા એલાયન્સની પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ સરકાર રચવાના પ્રશ્ન પર સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓ સહયોગી દળો સાથે બેઠક કરશે અને તેના પર નિર્ણય લેશે. મતલબ કે ઈન્ડિયા એલાયન્સ નીતિશ કુમારને પોતાની છાવણીમાં લાવવાનો પ્રયાસ કરી શકે છે. નીતીશ કુમારનો પક્ષ બદલવાનો રાજકીય ઈતિહાસ કોઈનાથી છુપાયેલો નથી. લોકસભા ચૂંટણી પહેલા પણ તેઓ ઈન્ડિયા એલાયન્સમાં સામેલ હતા. જો તે આ વખતે છાવણી બદલવાનો નિર્ણય લેશે તો તે ભાજપ માટે મોટો ફટકો સાબિત થશે. કેન્દ્રમાં સત્તામાં રહેવા માટે નીતિશ કુમાર અને તેમની 12 લોકસભા બેઠકો ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દેશના રાજકારણમાં ચંદ્રબાબુ નાયડુનું કદ વધ્યું
હવે આપણે ચંદ્ર બાબુ નાયડુ વિશે વાત કરીએ. આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. આ વખતે જનતાએ ટીડીપી પર વોટ વરસાવ્યા છે. TDPએ માત્ર લોકસભા ચૂંટણીમાં જ સારું પ્રદર્શન કર્યું નથી પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પણ મોટી જીત નોંધાવી છે. લોકસભા ચૂંટણી માટે સીટ વિતરણ અંતર્ગત ટીડીપીએ 17 સીટો પર ચૂંટણી લડી છે. 17માંથી 16 બેઠકો પર ટીડીપીની જીત લગભગ નિશ્ચિત છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર ટીડીપીએ 5 બેઠકો જીતી છે અને 11 પર આગળ છે. આવી સ્થિતિમાં પીએમ મોદી એનડીએની જીત બાદ પોતાના પ્રથમ ભાષણમાં ચંદ્ર બાબુ નાયડુનો ઉલ્લેખ કરે તે સ્વાભાવિક છે. કારણ કે નીતીશની જેમ ચંદ્રબાબુ નાયડુ પણ કેન્દ્રમાં NDA સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવાના છે.