November 6, 2024

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા

ગાંધીનગરઃ ગરવી ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પો અર્પણ કરીને સમગ્ર ગુજરાતના નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાલ ઓઢાડીને પ્રધાનમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના ધર્મ-કર્મ અનુરાગી નાગરિકો વતીથી શુભકામનાઓ પાઠવતાં તેમણે પ્રધાનમંત્રીના સર્વાધિક યોગક્ષેમ અને સ્વસ્થ ચિરાયુષ્યની મંગલ કામના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, જીવન અને રાષ્ટ્ર પ્રત્યે આપનો દ્રષ્ટિકોણ ન માત્ર ભારતીયોને પરંતુ વૈશ્વિક સમાજને નવસ્ફૂર્તિ અને પ્રેરણા આપનારો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રીને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ભેટ આપ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાલ ઓઢાડીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ‘જ્ઞાની પુરુષ-દાદા ભગવાન’ પુસ્તક ભેટ આપ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના યશ-કીર્તિથી પરિપૂર્ણ, સુદીર્ઘ અને નિરામય જીવનની કામના કરતાં કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને ભારતના પ્રધાનમંત્રી સુધીનું આપનું પરિશુદ્ધ જાહેર જીવન, દેશહિતને સૌથી ઉપર મૂકવાની આપની પ્રતિબદ્ધતા અને ભગીરથ પુરુષાર્થ થકી આપત્તિને અવસરમાં બદલવાનો આપનો અભિગમ અમારા સૌ માટે પ્રેરણાનો અનંત સ્ત્રોત છે.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન રિ-ઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપોમાં ભારતને પુનઃપ્રાપ્ય ઉર્જાના ક્ષેત્રમાં 500 ગીગાવૉટ ઉત્પાદનનું લક્ષ આપ્યું. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાની ભેટ આપી. ગાંધીનગર-અમદાવાદ મેટ્રો રેલની ભેટ આપી અને ‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ કાર્યક્રમમાં ₹8,000 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે સવારે રાજભવનથી વિદાય થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને ભાવભીની વિદાય આપી હતી.