April 30, 2024

ગોંડલમાં અનોખા લગ્ન! જાનને સ્મશાનમાં ઉતારો, વર-કન્યાએ ફર્યા ઉંધા ફેરા

ઋષિ દવે, રાજકોટ: રાજકોટનાં કોટડાસાંગાણી તાલુકાનાં રામોદમાં આજે રામનવમીનાં રોજ અનોખા લગ્ન યોજાયા છે. જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું. રામોદ ગામના વતની મનસુખ ગોવિંદભાઈ રાઠોડ પરિવારે સદીઓથી ચાલી આવતી માન્યતાઓ અને પરંપરાને સાથે રાખી સ્મશાનમાં વરરાજા સહિત જાનેયા સહિત પરિવારને ઉતારો આપી, કુરિવાજોને તિલાંજલિ આપવાનો ઐતિહાસિક લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં કન્યા પક્ષના મોભીઓ કાળા વેશ પરિધાનમાં જાનૈયાનું સ્વાગત કરી ઉતારો આપ્યો. બૌધ્ધ સાથે વિજ્ઞાન જાથાની વિચારધારાને અનુલક્ષીને લગ્ન સમારોહ રાખવામાં આવ્યો હતો.

રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે. જેમાં કમર કોરડાગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું. આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો. આ લગ્ન મુહૂર્ત અને ચોઘડિયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન વરરાજાનું સ્વાગત કન્યાઓ ભૂત પ્રેત બની કાળા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવ્યા. આ સાથે વર કન્યા લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણનાં સોગંદ લીધા. આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમજણ પૂર્વક લગ્ન સમારોહ યોજીને અંધશ્રદ્ધાનાને નેસ્ત નાબૂદ કરવા અને સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરાયો હતો.

આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં હીટવેવની ચેતવણી, જાણો ગુજરાતનું હવામાન કેવું રહેશે

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યા જણાવે છે કે, આજે જાથાની ટીમ રામોદ ગામમાં સવારે 8 કલાકે પહોંચી ઐતિહાસિક લગ્ન સમારોહનું સંચાલન કરાયું હતું. પ્રારંભમાં સવારે 9 થી 10 એક કલાક સુધી સદીઓ જુની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જુની માન્યતાને ફગાવવામાં આવી હતી. આ સાથે સમજણપૂર્વકના લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવેલ છે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે. મુહુર્ત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે. કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. દેશમાં સૌને માનવા ન માનવાની બંધારણે અધિકાર આપ્યો છે. તે મુજબ સમગ્ર આયોજન કરાયું હતું.

મહત્વનું છે કે, માન્યતાઓનું ખંડન કરવાનાં પ્રયાસ અંતર્ગત આ લગ્નનું આયોજન સ્મશાનમાં કરવામાં આવ્યું છે. સમાજમાં રહેલા કુરિવાજને દૂર કરવા માટે અનોખો પ્રયાસ છે. ત્યારે આ લગ્ન અત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.