November 5, 2024

ભારત વિકાસ પરિષદ દ્વારા કેશોદની મોદક સ્પર્ધામાં એક ભાઇ આરોગી ગયા 12 લાડુ

સાગર ઠાકર, જૂનાગઢ: હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા સિધ્ધિ વિનાયક મંદિરમાં મોદક સ્પર્ધા યોજાઈ હતી, નાના બાળકોથી લઈને વડીલો સુધીના 30 જેટલા સ્પર્ધકોએ મોદક સ્પર્ધામાં ભાગ લીધો હતો, 100 ગ્રામનો એક એવા પ્રથમ ત્રણ લાડુ પ્રથમ પીરસવામાં આવ્યા હતા, જે ત્રણ લાડુ ન ખાઈ શકે તે સ્પર્ધામાંથી બહાર થાય છે, ત્રણ થી વધુ લાડુ ખાનાર જ સ્પર્ધક તરીકે ગણાય તે રીતે સ્પર્ધાનું આયોજન કરાયું હતું, સ્પર્ધામાં મોદક સાથે દાળ પણ પીરસવામાં આવી હતી, આ સ્પર્ધામાં કુલદીપ ડાભી નામના યુવાને 11 લાડુ આરોગીને પ્રથમ પુરસ્કાર હાંસલ કર્યો હતો.

મોદક ગણપતિને પ્રિય છે અને ગણેશોત્સવ દરમિયાન પ્રસાદ રૂપે સૌ મોદકનું ભોજન કરે તથા ફાસ્ટ ફુડના જમાનામાં લોકો કેમિકલ યુક્ત નુકશાનકારક આહાર છોડીને પરંપરાગત તથા ગુણકારી મોદકનું ભોજન કરે તે હેતુ આ સ્પર્ધા યોજાઈ હતી.

મોદક સ્પર્ધા સાથે ઈકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધા પણ યોજાઈ હતી, માટી, લોટ, કાગળ વગેરે ડિસ્પોઝેબલ ચીજ વસ્તુઓમાંથી બાળકોએ સુંદર ગણપતિ તૈયાર કર્યા હતા, જે વિસર્જન કરવાથી પણ પ્રકૃતિને કોઈ નુકશાન ન થાય અને લોકોમાં પર્યાવરણ માટે જાગૃતિ લાવવાના ભાગરૂપે આ સ્પર્ધા યોજાઈ હતી.