ચોરોની જેમ દબાણ હટાવવા આવી દાહોદ નગરપાલિકા, સ્થાનિકોમાં આક્રોશ
દાહોદ: છેલ્લા કેટલાય સમયથી દાહોદ નગરપાલિકા વિસ્તારમાં દબાણ મુદ્દે ઘણી ફરિયાદો ઉઠી રહી હતી. જોકે, ફરિયાદો બાદ જ્યારે, દાહોદ નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરીથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. દાહોદ નગરપાલિકાએ ચોરોની જેમ અડધી રાત્રે અસ્થાયી દબાણ હટાવવાની કામગીરી કરતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
દાહોદ શહેરના તળાવ વિસ્તાર પર આવેલ લારીઓને અડધી રાત્રે દાહોદ નગરપાલિકાની ટીમે જેસીબી વડે ટ્રેકટરમાં ભરી લઇ જવાતાં લારીઓ વાળાઓ સહિત લોકોમાં નગરપાલિકા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ દાહોદ નગરપાલિકા માત્ર સ્માર્ટ સિટીનો ડોળ કરી લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે, રસ્તે રખડતા ઢોરો કૂતરાઓનો અસહ્ય ત્રાસ, ઉભરાતી ભૂગર્ભ ગટરો અને દાહોદ શહેરના તમામ માર્ગો ડિસ્કો થેક જેવા થઈ ગયા છે. ત્યારે ગરીબોની લારીઓ અડધી રાત્રે ચોરોની જેમ જેસીબીની મદદથી ટ્રેકટરમાં ભરીને લઇ જવાતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.
અડધી રાત્રે લારીઓ માત્ર એકજ વિસ્તારમાં હટાવવાની કામગીરીની જાણ લારીધારકો તેમજ સ્થાનિકોને થતાં લોકોમાં નગરપાલિકાની આ કામગીરી પ્રત્યે ભારે નારાજગી જોવા મળી હતી. લારીધારકોનું કહેવું છે કે જો અમને જાણ કરી હોત તો અમે જાતેજ લારીઓ હટાવી દેતા. પરંતુ, અડધી રાત્રે લારીઓ હટાવવી કેટલી યોગ્ય? કોઈપણ જાણ કર્યા વગર પાલિકાના આવા વલણ સામે નગરજનોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે.