October 5, 2024

બે સિંહણ શિકાર પાછળની દોડમાં કૂવામાં ખાબકી; એકનું મોત, એકને બચાવી લીધી

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ ધારીના લાઈનપરા કુબડા રોડ પર આવેલા કૃષિ શાળાની પાછળ ખેડૂતની વાડીના ખુલ્લા કૂવામાં શિકાર પાછળ દોડતા બે સિંહણ ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા વનવિભાગ દ્વારા બંને સિંહણનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક સિંહણનું મોત નિપજ્યું હતું અને બીજી સિંહણને બચાવી લેવામાં વિભાગને સફળતા મળી હતી.

ધારી ગીર પૂર્વના સરસિયા રેન્જ નીચેના કુબડા રોડ પર આવેલા કૃષિ શાળા પાછળ શંભુભાઈ રામભાઈ રૂડાનીની વાડીના ખુલ્લા કૂવામાં નીલ ગાયના શિકારની પાછળ દોડતા બે સિંહણ કૂવામાં પડી હતી. આ ઘટનાની જાણ વનવિભાગને થતા ધારી ગીર પૂર્વના ડીસીએફ રાજદિપસિંહ ઝાલા અને ઇન્ચાર્જ એસીએફ શૈલેશ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સરસિયા આરએફઓ જ્યોતિ વાજા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને બંને સિંહણને કૂવામાંથી બહાર કાઢવા રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. જેમાં એક સિંહણનું કૂવામાં જ મોત નીપજ્યું હતું અને બીજી સિંહણને બચાવવામાં વનવિભાગને સફળતા મળી હતી. હાલ સિંહણને ઓબ્ઝર્વેશન અર્થે એનિમલ કેર સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ જસાધાર રેન્જમાં શિકાર પાછળ સિંહ અને ગાય કૂવામાં પડ્યા હતા. જેમાં ગાયનું મોત થયું હતું અને સિંહ કૂવામાં પડ્યો હતો અને વનવિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યૂ કરી બચાવી લીધો હતો.

ગીર પંથકમાં ખુલ્લા કૂવા વન્ય પ્રાણીઓ માટે જોખમી
ખાંભા સહિત ગીર પંથકમાં વનવિભાગ દ્વારા ખેડૂતોને ખુલ્લા કુવાની ફરતે પાળા-પિટ બાંધવામાં માટે 8થી 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને વનવિભાગ દ્વારા પણ આવા ખુલ્લા કુવાની ફરતે પાળા-પિટ બાંધી આપવામાં આવે છે. વનવિભાગ દ્વારા બે હજારથી વધારે ખુલ્લા કુવાઓ બાંધી આપવામાં આવ્યાં છે. ત્યારે હજુ પણ ગીરના રેવન્યૂ વિસ્તારમાં બહોળી સંખ્યામાં ખુલ્લા કૂવાઓ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. ત્યારે ગીર અને રેવન્યૂ વિસ્તારમાં સતત દર વર્ષ નવા કૂવામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા ખુલ્લા કૂવાઓ નિર્દોષ સિંહ, દીપડા સહિત વન્ય પ્રાણીઓનાં મોત માટે જોખમી બની રહ્યા છે.

કૂવામાં પડેલા વન્ય પ્રાણીને બચાવવા વનવિભાગની અપીલ
ગીર અને રેવન્યૂ વિસ્તારમાં ખુલ્લા કૂવામાં પડી જવાથી સિંહ સહિત વન્ય પ્રાણીઓના મોતને રોકવા વનવિભાગ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે, રેવન્યૂ કે ખેડૂતની વાડીમાં ખુલ્લા કૂવા હોય તો તેમને બંધાવી લેવા અથવા તો વન્યપ્રાણી કૂવામાં ન પડે માટે થઈ કૂવાને ફરતે કાંટાળી વાડ કરી નાંખવી તેમજ જો ખુલ્લા કૂવામાં સિંહ, દીપડો કે કોઈ વન્ય પ્રાણી પડ્યું હોય તો તુરંત જ કૂવામાં વન્યપ્રાણીને ઈજા ન થાય તેમ કૂવામાં ખાટલો અથવા તો કોઈ લાકડું ઉતારી દેવું જેથી કરી વન્ય પ્રાણીનો જીવ બચી શકે અને વન્યપ્રાણી લાકડું કે ખાટલામાં બેસી જીવા બચાવી શકે છે અને ત્યારબાદ વનવિભાગને જાણ કરવા અપીલ કરી હતી.