October 5, 2024

2028 સુધીમાં ભારત બની જશે ટ્રિલિયન ડૉલરની ડિજિટલ ઈકોનોમી, ઇન્ટરનેટ, 4G-5Gથી થશે લાભ

Digital Economy: સરકારના ડિજિટલ અભિગમની સાથે ભારતની નાણાકીય પરિસ્થિતિમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. આસ્ક કેપિટલના તાજેતરના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ટરનેટ રીચ, કુશળ અને સસ્તી 4G અને 5G સેવાઓ અને ડિજિટલ ક્ષેત્રમાં સરકારની પહેલથી ભારત 2028 સુધીમાં 1 ટ્રિલિયન યુએસ ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે.

ભારત વાસ્તવિક સમયની ચુકવણીનું એક વૈશ્વિક ઉદાહરણ બની ગયું છે, જે UPI જેવી સ્વદેશી તકનીકી નવીનતાઓથી લાભ મેળવી રહ્યો છે. ભારતનું ડિજિટલ પરિવર્તન આર્થિક વૃદ્ધિ માટે ગેમ ચેન્જર સાબિત થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાના ડિજિટલાઇઝેશનની સાથે સ્માર્ટફોનના વધતા ઉપયોગે કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ઓનલાઇન શોપિંગને પ્રોત્સાહન આપ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ રિસર્ચ (ICRIER) અનુસાર, ડિજિટલ કૌશલ્ય પર ભારતનો સ્કોર ડિજિટલાઈઝેશનના એકંદર સ્તરના સંદર્ભમાં જાપાન, યુનાઈટેડ કિંગડમ અને જર્મની જેવા વિકસિત દેશો કરતાં આગળ નીકળી ગયો છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી સરકારી પહેલોએ દેશમાં સાર્વત્રિક પહોંચ અને નાણાકીય સમાવેશને વધારવામાં મદદ કરી છે. મોબાઈલ અને બ્રોડબેન્ડની વધતી પહોંચ નાણાકીય સમાવેશને વધુ ગાઢ બનાવશે અને નવી ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપશે.

ભારતમાં ડિજિટલ મનોરંજન, ઓનલાઈન શિક્ષણ, ટેલિ-મેડિસિન, ડિજિટલ હેલ્થ, ડિઝાસ્ટર રિસ્પોન્સ અને લાઈફ સેવિંગ સેવાઓ ભારતમાં વધુ સારી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓનો લાભ લઈ રહી છે. સસ્તો ડેટા, સ્માર્ટફોન યુઝર્સની વધતી સંખ્યા અને ઈ-કોમર્સમાં વૃદ્ધિ ભારતના ડિજિટલ પરિવર્તનને ગતિ આપે છે. માર્ચ 2024 સુધીમાં, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના ડેટા દર્શાવે છે કે ભારતમાં લગભગ 120 કરોડ ટેલિકોમ ગ્રાહકો છે.

ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની કુલ સંખ્યા માર્ચ 2023માં 881 કરોડથી વધીને માર્ચ 2024ના અંત સુધીમાં 954 કરોડ થવાની ધારણા છે, જેમાંથી લગભગ અડધા ગ્રામીણ વિસ્તારોમાંથી છે. છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડથી વધુ ઇન્ટરનેટ ગ્રાહકો અને 7.7 કરોડથી વધુ બ્રોડબેન્ડ ગ્રાહકો જોડાયા છે.