October 5, 2024

જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીના રથનાં ઘોડા, સારથિ સહિતની રોચક માહિતી

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળશે. ત્યારે આવો જાણીએ તેમના રથ વિશેની રોચક માહિતી…

જગન્નાથજીનો રથ ગરુડધ્વજ
જગન્નાથજીના રથને ‘ગરુડધ્વજ’, ‘કપિલધ્વજ’ અથવા ‘ચક્રધ્વજ’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ રથના અશ્વના નામ શંખ, બહાલક, શ્વેત અને હરિદાશ્વ છે. દારુકાજી ભગવાન જગન્નાથજીના રથના સારથિ છે. જેમાં લાલ અને પીળા કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે. વિષ્ણુના વાહક ગરુડ તેનું રક્ષણ કરે છે. રથ પરના ધ્વજને ત્રૈલોક્યમોહિની અથવા નંદીઘોષ કહેવામાં આવે છે. આ રથનાં દોરડાને શંખચૂડ કહેવામાં આવે છે. આ ઉપરાંત રથની ઉપર સુદર્શન ચક્ર પણ જોવા મળે છે.

સુભદ્રાજીનો રથ કલ્પધ્વજ
સુભદ્રાજીનાં રથને ‘કલ્પધ્વજ’, ‘પદ્મધ્વજ’ અથવા ‘દર્પદલન’ના નામથી ઓળખવામાં આવે છે. આ રથમાં લાલ, કાળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. રથના રક્ષક જયદુર્ગા છે અને સારથિ અર્જુન છે. રથધ્વજને નદંબિક કહેવામાં આવે છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિતા તેના ઘોડા છે. આ રથનાં દોરડાને સ્વર્ણચુડા કહે છે.

બળભદ્રજીનો રથ તાલધ્વજ
બલરામના રથને ‘તાલધ્વજ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં લાલ, લીલા રંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રથના રક્ષક વાસુદેવ અને સારથિ મતાલી છે. રથધ્વજને ઉનાની કહેવામાં આવે છે. ત્રીવ, ઘોર, દીર્ધાશ્રમ અને સુવર્ણનાભ નામના ઘોડા તેમનો રથ ખેંચે છે. આ રથના દોરડાને વાસુકી કહેવામાં આવે છે.