January 22, 2025

9 જિલ્લામાં વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતને મેઘરાજા ઘમરોળશે

અમદાવાદઃ રાજ્યના 9 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગરમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમની અસર વર્તાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 25 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને રાહદારીઓ સહિત વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાંતામાં 8 ઇંચ

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
આ ઉપરાંત વડગામમાં 4 ઇંચ, શહેરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના તિકલવાડામાં 2.5 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં 2 ઇંચ, ખેડાના કઠલાલમાં 2 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2 ઇંચ, તાપીના કુંકરમુંડામાં 2 ઇંચ, ખેડાના ઠાસરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ, મહીસાગરના કડાણામાં 2 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ, નર્મદાના નાંદોદમાં 1.5 ઇંચ અને ભરૂચના ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે ઠેર ઠેર વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.